સુરત: (Surat) સુરત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદે જાણે વિદાય લઇ લીધી હોય તેમ આકરો તડકો અને ગરમી અનુભવાઇ રહી છે. પરંતુ હવે બે દિવસ બાદ ફરી સુરત સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat) તથા દેશભરમાં ચોમાસું ફરી સક્રિય થવા જઈ રહ્યું છે. આવતા અઠવાડિયામાં જ ઉકાઈ ડેમમાં (Ukai Dam) નવા નીરની આવક શરૂ થઈ જશે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૂસ્ત પડેલું ચોમાસું બે દિવસ બાદ ફરી સક્રિય થશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ છત્તીસગઢ ઉપર એક લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઇ છે. તેની સમાંતરે બીજી તરફ અરબ સાગરમાં સડન વિન્ડ સ્પીડ જોવા મળી છે. જેને કારણે વાદળો વધારે પ્રમાણમાં ખેંચાતા આગામી બે દિવસ બાદ ચોમાસું ફરી સક્રિય થશે. છેલ્લા પખવાડિયાથી જાણે ચોમાસુ વિદાય લઇ લીધું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. વિતેલા પખવાડિયામાં મેઘરાજાએ મનમૂકીને વરસતા લોકોને હિલ સ્ટેશન જેવો અહેસાસ થયો હતો. પરંતુ મેઘરાજાએ આ ઝલક દેખાડયા બાદ અચાનક વિરામ લઇ લીધો હતો. પરંતુ બે દિવસ બાદ આ લો પ્રેશર સિસ્ટમ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે. જેને કારણે મધ્યપ્રદેશથી લઈ ગુજરાત સુધીના સમગ્ર વિસ્તારોમાં ચોમાસું જામશે.
આગામી અઠવાડિયું સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે સારો વરસાદ આપે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ધરતીપુત્રો જે વરસાદ ખેંચાતાં ચિંતાતુર હતાં તેમની ચિંતા દૂર થઇ છે અને ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો મધ્યપ્રદેશમાં સારો વરસાદ થશે તો આગામી અઠવાડિયામાં જ ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ જશે. અને ડેમની સપાટી ફરી સડસડાટ વધી શકે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.