SURAT

વરસાદે સુરતમાં સાત કિ.મી. રસ્તા અને 72 જંકશન ધોઇ નાંખ્યા

સુરત: (Surat) શહેરમાં આ વખતે જુલાઇ માસની શરૂઆતથી જ શરૂ થયેલી વરસાદની (Rain) હેલીએ સુરત મહાનગર પાલિકાની મુશ્કેલી વધારી દીધી છે. શહેરમાં સતત દસ દિવસ ખાબકેલા વરસાદે શહેરના જુદા જુદા વિસ્તારના રસ્તાઓની હાલત ખરાબ કરી નાંખી છે. મનપાના સર્વે મુજબ જુદા જુદા વિસ્તાર મળીને કુલ સાત કિલોમીટરના રસ્તા ધોવાઇ ગયાં છે. જયારે શહેરમાં 72 સર્કલની આસપાસ પણ રસ્તાઓ (Roads) ધોવાઇ જતાં ખસ્તા હાલત થઇ ચૂકી છે. ધોવાયેલા રસ્તાઓ મુદ્દે મનપાના શાસકો પર પસ્તાળ પડી રહી છે. ખરાબ રસ્તાઓના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ હોવાથી શાસકોએ રવિવારે તાકીદના ધોરણે પત્રકાર પરિષદ બોલાવી શહેરમાં રસ્તાઓ રીપેર કરવા માટે થયેલી ગોઠવણની માહીતી આપી હતી, ઉપરાંત તમામ ઝોન અને વિભાગના વડાઓ સાથે પણ મીટીંગ કરી રિવ્યું લીધો હતો.

  • વરસાદે શહેરમાં સાત કિ.મી. રસ્તા અને 72 જંકશનને ધોઇ નાંખ્યા : ત્રણ દિવસમાં રીપેર કરવાનો દાવો
  • મનપા કમિશનર- શાસકોએ ગેરંટીવાળા રોડ ઇજારદાર પાસે જ રીપેર કરાવવા આદેશ આપ્યો
  • ચારે બાજુથી માછલાં ધોવાતાં શાસકોએ તાકીદે પત્રકાર પરિષદ બોલાવી અધિકારીઓને દોડતા કર્યા

પત્રકાર પરિષદમાં મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતુ કે, આ વખતે શહેરમાં સતત 15 દિવસ જે વરરસાદ પડયો તેનું પ્રમાણ સીઝનના કુલ વરસાદના 60 ટકા કરતા વધુ છે. સતત વરરસાદના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયાં છે. શહેરમાં સીઝનનો કુલ વરસાદ વર્ષમાં 1450 મીમી વરસાદ પડે છે તેમાંથી માત્ર 15 દિવસમાં 833 મીમી વરસાદ પડી ગયો છે. તેથી ઘણા રસ્તાઓ તૂટી ગયાં છે. મનપા કમિશનરે ઉમેર્યુ હતુ કે, સુરતના કુલ 2817 કિલોમીટરના રસ્તામાંથી સાત કિલોમીટર જેટલા કુલ રસ્તાઓ તૂટી ગયાં છે. અને 72 જંકશન એવા છે જ્યાં ધોવાણ થયું છે. રવિવારથી વરસાદ બંધ પડ્યો છે અને ઉઘાડ થયો છે તેના કારણે ત્રણ જ દિવસમાં રસ્તા રીપેર કરી દેવા માટે આદેશ આપી દેવાયો છે.

ગેરંટી પીરીયડવાળા રસ્તા ઇજારદારોના ખર્ચે રીપેર થશે
મનપા કમિશનરે જણાવ્યુ હતું કે, જે રસ્તા ગેરંટી પીરિયડમાં છે તે રસ્તા કોન્ટ્રાક્ટર પાસે તેમના ખર્ચે જ રીપેર કરવામાં આવશે. જે રસ્તા ગેરંટી પિરિયડમાં નથી તે રસ્તા પાલિકા તંત્ર રીપેર કરશે. ઉપરાંત જે રસ્તા નજીકના સમયમાં બન્યા હોય તે તૂટી ગયા હોય તો તેના માટે જવાબદાર અધિકારી ઇજારદારનો જવાબ પણ મંગાશે.

Most Popular

To Top