સુરત: (Surat) દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની (Monsoon) ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે લોકોએ ગરમીથી રાહત મેળવી છે. જોકે બીજી તરફ ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. સુરતમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદે રવિવારે બપોરે 2 વાગ્યા સુધી ધમધમાટી બોલાવી દીધી હતી. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 119 મિમિ વરસાદ ખાબક્યો હતો. એક ધારા ભારે વરસાદે પાલિકાના પ્રિમોન્સૂનની પોલ ખોલી દીધી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરત સિટીમાં ભારે વરસાદને કારણે જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. સુરતના નિચાણવાળા વિસ્તાર એવા કતારગામ, સિંગણપોર, કાદરશાની નાળ, નાનપુરા, સલાબતપુરા તેમજ લિંબાયત વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. લિંબાયતમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા. જ્યારે સિંગણપોર વિસ્તારમાં પણ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સિંગણપોર વિસ્તારમાં હોડીઓ ફરતી થઈ હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. લોકો ઘરની બહાર નિકળી શક્યા ન હતા. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે લોકોએ સુરત મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરીમાં માત્ર વેઠ ઉતારાઈ હોવાનો અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો.
લિંબાયત વિસ્તારમાં પાણીના ભરાવાની સાથે ગંદગીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું. લોકોના ઘરોમાં પાણી ભરાવાની સાથે રસ્તાઓ પર ગંદુ કચરાયુક્ત પાણીના ભરાવાએ પાલિકાની નંબર વન સ્વચ્છ સુરતની પણ પોલ ખોલી દીધી હતી. પહેલાં જ વરસાદમાં સ્ટ્રોમ ડ્રેનેજ ભરાઈ જવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. ફૂલવાડી વિસ્તાર કતારગામ, ડભોલી ચાર રસ્તા, વેડરોડ, સિંગણપોરના રસ્તા પર વહેતા પાણીમાં ભારોભાર કચરો અને ગંદકીએ પાલિકાની સફાઈ કામગીરી સામે પણ સવાલ ઉભા કર્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં રવિવારે ભારે વરસાદ વરસ્યો હતો. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં લગભગ પાંચ ઇસ વરસાદ વરસી ગયો હતો. સુરત પલસાણામાં સૌથી વધુ 148 મિમિ અને સુરત બારડોલીમાં 130 મિમિ વરસાદ વરસ્યો હતો. સુરત મહુવામાં 116, સુરત કામરેજમાં 115 અને સુરત ઓલપાડમાં 111 મિમિ વરસાદ પડતા સુરત અને આસપાસના વિસ્તારોમાં પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી. બીજી તરફ વલસાડમાં 102 મિમિ, નવસારીમાં 57 મિમિ અને ભરૂચમાં 86 મિમિ વરસાદ નોંધાયો હતો.