Surat Main

ઉકાઇમાંથી સતત પાણી છોડતા સર્જાતો મહત્વનો પ્રશ્ન: કેટ્લા લાખ કયુસેકસ પાણી છૂટે તો કયા વિસ્તારો ડૂબે?

સુરત: સમગ્ર ગુજરાત (Gujarat)માં મેઘરાજા મન મૂકીને વરસી (heavy rain) રહ્યા છે, ત્યારે સુરત (Surat)ને પણ આની અસર વર્તાય રહી છે, ખાસ કરીને ઉપરવાસમાં સતત પાણીની આવકના પગલે ઉકાઈ ડેમ (Ukai dam)નું લેવલ નોંધનીય થયું છે, જેથી હાઈ એલર્ટ (High alert) જાહેર કરાયું છે.

ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદીમાં પણ પાણીની આવક વધતા હાલ તાપી નદી બન્ને કાંઠે વહી રહી છે. ત્યારે સુરતીઓમાં એક મહત્વનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે કેટ્લા લાખ કયુસેકસ પાણી છોડવામાં આવે તો કયા વિસ્તારો ડૂબે? અથવા પ્રભાવિત થાય? ત્યારે એક ચોક્કસ તારણના આધારે આ પ્રમાણેનો અંદાજ કાઢવામાં આવ્યો છે.

1 લાખ : સામાન્ય અસર, તાપી નદીમાં સપાટી વધે

2 લાખ : ફ્લડગેટ બંધ કરવા પડે, તાપી તટની ઝુંપડપટ્ટીઓમાં પાણી ઘુસવાની શરૂઆત

3 લાખઃ અડાજણ, સ્વામીનારાયણ મંદિર કાંઠેથી પાણી ઘુસવાની શરૂઆત

4 લાખ : રાંદેરમાં હનુમાન ટેકરી પાસેથી શરૂ કરીને પાંચ પીપળી મંદિર, મારૂતિનંદન મંદિર, વાંકલ સ્ટ્રીટ, બીજી તરફ અડાજણ, પાલ વિગેરે સહિતના વિસ્તારોમાં પાણી પ્રવેશવાની અને પાણીની સપાટી વધવાની શરૂઆત થઈ શકે છે. સાથે સાથે તાપી નદી સાથે જોડાયેલી મગોબ, કરંજ, ડુંભાલ ખાડી, વરાછા ખાડીમાં પાણી ‘બેક’ મારવાની સાથે પુણા-સીમાડા વિસ્તારમાં ખાડીમાંથી પાણી ઘુસવાની શરૂઆત થાય છે.

5 લાખ : જહાંગીરપુરાથી શરૂ કરીને રાંદેર, અડાજણ અને પાલના તમામ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળે.

6 લાખ : અગાઉના તમામ વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની સાથે અમરોલી પુલની બંને તરફથી પાણી અમરોલી, છાપરાભાઠા વિગેરે નદી પારના વિસ્તારોમાં પ્રવેશવાની શરૂઆત થાય છે.

7 લાખ : નાનપુરા, મક્કાઈપુલથી સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં પાણી ઘુસે. જે નાનપુરા, કાદરશાની નાળ, નવસારી બજાર, પુતળી, સગરામપુરા, ગોલકીવાડ, ગોપીપુરાના કેટલાક વિસ્તારોથી શરૂ કરીને છેક અઠવાગેટ સુધી પહોંચી જાય. ઉપરાંત સૈયદપુરા-ટુંકી, આઈ.પી.મીશન સ્કુલથી શરૂ કરીને વેડ દરવાજા અને સુરત જિલ્લા પંચાયતની કચેરી, એકસાઈઝ કચેરી વિગેરેથી શરૂ કરીને ચોકબજાર, ચૌટાબજાર, શાહપોર, નાણાવટ, ભાગાતળાવ, બડેખાંચકલા, સાગર હોટલ, ઝાંપાબજાર, વાડીફળીયા,નવાપુરા, સલાબપુરા,રૂસ્તમપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળે.

8 લાખ: ઉમરા, પીપલોદ, નાનપુરા બહુમાળી બિલ્ડીંગ, ડચ ગાર્ડન, રીંગરોડ, અઠવાલાઈન્સ, ઘોડદોડ રોડ, સુરત-ડુમસ રોડ, સીટીલાઈટ છાપરા ભાઠા, કોસાડ, વેસુ, મોટાવરાછા તેમજ ઉત્રાણમાં પણ પાણી ફરી વળે.

9 લાખ: અગાઉના વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની સાથે વરીયાવ અને કોસાડથી તાપી નદી પોતાનું વહેણ બદલીને તે દિશામાં દરીયા તરફ પ્રયાણ કરે, કઠોર પાસેથી વહેણ બદલીને કીમ-સાયણ તરફ નદીનો પ્રવાહ જાય. જો પાળો તુટે તો જહાંગીરપુરાથી ઓલપાડની તેના ખાડીમાં તાપી નદીનુ પાણી ઠલવાવા માંડે. કતારગામ, વેડરોડ અને વરાછા પણ પૂરની લપેટમાં આવી જાય. મહીધરપુરા, રામપુરા, રેલ્વેસ્ટેશન વિસ્તાર, બેગમપુરા, હરીપુરા, સૈયદપુરા, લાલદરવાજા વિગેરે વિસ્તારોમાં પણ પાણી ફરી વળે.

10 લાખ: ગત વર્ષે બાકી રહી ગયેલો સુમુલડેરી રોડ સહિતનો સુરતનો ભાગ્યેજ કોઈ વિસ્તાર પૂરની અસરમાંથી બાકી રહે. ગત વખતે પણ પૂર દરમ્યાન શહેરમાંથી પુણા કુંભારીયા રોડ, ઉધના, ભટાર તેમજ મગદલ્લા ખાતેથી પસાર થતી નહેરે લાજ રાખીને આ વિસ્તારોમાં પૂરના પાણી આવતા રોકી લીધા હતા. પણ 10 લાખ ક્યુસેક્સના પુરના પાણી નહેરને પણ વળોટીને ભટાર, ઉધના મગદલ્લા રોડ, ડુમસ, મગદલ્લા, એરપોર્ટથી શરૂ કરીને ડુમસ ચોપાટી સુધીના વિસ્તારોમાં ઘુસી જશે.

Most Popular

To Top