સુરત: (Surat) સુરત રેલ્વે સ્ટેશનના (Railway Station) પાછળના ભાગમાં સામે આવેલ બિલ્ડિંગમાં પાર્ક કરેલ બાઈકો (Bike) પૈકી પાંચ બાઇકમાં અચાનક જ મધરાત્રે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ ફાયરબ્રિગ્રેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગ્રેડના જવાનોએ પાણીનો (Water) મારો કરી આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં પાંચ બાઈક સળગી ગઈ હતી પરંતુ કોઈ જાનહાની થવા પામી ન હતી.
સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ચારની સામે રેલ્વે કોલોની આવેલી છે. ગતરોજ મોડીરાત્રે સવા બે વાગ્યાના અરસામાં રેલ્વે કોલોનીમાં બિલ્ડીંગ નંબર ૧૭૯માં પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇકમાં અચાનક જ આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે પાંચ બાઇકને ઝપેટમાં લીધી હતી. બનાવને પગલે સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગ્રેડ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા ઘાંચી શેરી ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગ્રેડના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી. જોકે આ આગમાં પાંચ બાઈકો સળગીને ખાક થઇ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. બાઈકમાં આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે આગ લાગી હતી કે કોઈ ઈસમો દ્વારા લગાવવામાં આવી હતી તે અંગે પોલીસે પણ તપાસ આદરી છે.
ખોલવડમાં તાપી નદીના બ્રિજ પરથી પસાર થતી કારમાં આગ લાગી
સુરત : સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં રાત્રીના સમયે હાઇવે પરથી પસાર થતી કારમાં અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાઇવે પર અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરબ્રિગ્રેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ખોલવડ તાપી નદીના બ્રિજ પરથી ડીઝલ કાર પસાર થઈ રહી હતી. જે દરમિયાન કારનાં આગળના ભાગે શોર્ટસર્કીટનાં કારણે ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો. કાર ચાલક સમય સુચકતા રાખી ગાડીમાંથી ઉતરી ગયો હતો. જોત જોતામાં ધુમાડો આગમાં પરિવર્તિત થયો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આખી કાર આગની ચપેટમાં આવી જતા અને નેશનલ હાઇવે પર કાર ભડકે બળતા હાઇવે પર અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ કામરેજ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.