સુરત: (Surat) રાહુલ રાજ મોલ (Rahul Raj Mall) પાછળ સુમન મલ્હાર બિલ્ડીંગનો ફ્લેટ (Flat) એક વખત વેચાણ કર્યા બાદ અન્યને પણ વેચાણ કરી બંને ખરીદનારને વેચાણ કરાર લખી આપી 6.22 લાખની છેતરપિંડી (Fraud) કરનાર મહિલાને ઉમરા પોલીસે (Police) ગીર સોમનાથ ઉના ખાતેથી ઝડપી પાડી હતી.
- દેવુ થઈ જતા પીપલોદના સુમન મલ્હાર બિલ્ડીંગનો એક જ ફ્લેટ બે જણાને વેચનાર મહિલાની ધરપકડ
- મહિલો પહેલા 7.40 લાખમાં વેચાણ કરાર કરી 1.22 લાખ લઈ લીધા અને અન્ય મહિલાને 5 લાખમાં વેચાણ કરાર કર્યો
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત સપ્ટેમ્બર મહિનામાં મગદલ્લા ખાતે સુમન શ્વેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને અડાજણના રીલાયન્સ મોલમાં નોકરી કરતા કમલનયન શ્રીગણેશ પાસ્વાન (ઉ.વ.34) એ ફાલ્ગુની ભુપત બાંભણીયા (રહે. પનાસ ગામ, ખેતીવાડી ફાર્મ હાઉસ) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. યુવક ડુમ્મસ રોડના વી.આર મોલમાં નોકરી કરતો હતો ત્યારે નિયમીત શોપીંગ માટે આવતા ફાલ્ગુની ભુપત બાંભણીયા સાથે પરિચય થયો હતો. ફાલ્ગુનીએ પોતાનું મકાન વેચાણ માટે વાત કરી હતી. કમલનયન પોતે મકાન ખરીદવા ઇચ્છતો હોવાથી પત્ની સાથે જઇને પીપલોદના રાહુલ રાજ મોલની પાછળ આવેલા સુમન મલ્હાર બિલ્ડીંગનો ફ્લેટ જોવા ગયો હતો. અને પસંદ આવતા રૂ. 7.40 લાખમાં સોદો નક્કી કરી 80 હજારનો ચેક અને રૂ. 42 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જયારે બાકીના રૂ. 6.18 લાખ દર મહિને રૂ. 5 હજારના હપ્તા પેટે આપવાનું નક્કી કરી ફાલ્ગુનીએ ઘરનો જનરલ પાવર અને બાનાખત લખી આપ્યો હતો.
કમલનયને ફ્લેટની ચાવી માંગતા ફાલ્ગુનીએ એસએમસીમાંથી ચાવી મળે એટલે તમને આપશે એમ કહી વાયદા કર્યા હતા. જો કે માર્ચ 2022 માં ફ્લેટની ચાવી આપી હતી અને પંદર દિવસ પછી જવા માટે કહ્યું હતું. જેથી કમલનયન પંદર દિવસ પછી ત્યાં જતા ચાવીથી તાળું ખુલ્યું ન હતું અને શંકા જતા પોતાના રૂપિયા પરત આપવા કહ્યું હતું. ફાલ્ગુનીએ રૂ. 1.76 લાખનો ચેક આપ્યો હતો પરંતુ તે રીટર્ન થયો હતો. અને કમલનયનને જાણવા મળ્યું હતું કે ઉપરોકત ફ્લેટ ફાલ્ગુનીએ વંદના નારાયણ કેદારે (રહે. મહાદેવનગર, વિશ્વકર્મા મંદિર નજીક, ભટાર) ને પણ રૂ. 5 લાખમાં વેચાણ કરી કબ્જા સહિતને વેચાણ કરાર અને પાવર લખી આપ્યો હતો. ઉમરા પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ગઈકાલે પોલીસે ફાલ્ગુનીબેન નિતેશભાઈ નાગજીભાઈ ગોંડલીયા (ઉ.વ.૩૭,ધંધો ખેતીકામ, રહે. શાંતિનગર સોસાયટી ઉના તા.ઉના જી.ગીર સોમનાથ) ની ધરપકડ કરી હતી.