સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં ચિકલીગર યુવકની થયેલી હત્યા (Murder)માં સૂર્યા મરાઠી (Surya marathi)ના હત્યારા રાહુલ એપાર્ટમેન્ટ (Rahul apartment)ને વોન્ટેડ (wanted) જાહેર કરવામાં આવ્યો છે. આ રાહુલ એપાર્ટમેન્ટ ત્રણ મહિના પહેલા વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો, ત્યારબાદ તેને પેરોલ જમ્પ (payroll jump) કરીને ભાગી ગયો હતો. ચિકલીગર યુવકની હત્યામાં રાહુલ એપાર્ટમેન્ટની સંડોવણી બહાર આવી છે અને તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઉધના પ્રભુનગર ખાતે રહેતા 23 વર્ષીય ગુરજીતસિંગ ઉર્ફે કાલુ જગજીતસિંગ ચિકલીગરની હત્યા કરવામાં આવી હતી. ઉધના કૈલાસનગર પાસે સોનલ ઇન્ડસ્ટ્રી-3 સામે રાહુલ એપાર્ટમેન્ટનો ભાઈ અજય એપાર્ટમેન્ટ, નાગિયો, ટૂંબો અને પ્રથમ આવીને ચિકલીગર કાલુને ચપ્પુના ચારથી વધારે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ચકચારીત આ કેસમાં રાહુલ એપાર્ટમેન્ટનું નામ બહાર આવ્યું છે. રાહુલ એપાર્ટમેન્ટ જ્યાં રહે છે ત્યાં ગુરજીતસિંગ ઉર્ફે કાલુ અને તેના માણસોએ એક મહિના પહેલા આવીને લાકડાના ફટકા વડે તોડફોડ કરી હતી. પોતાના વિસ્તારમાં ધાક જમાવવા જતા ચિકલીગર ગેંગનો સફાયો કરી નાંખવા રાહુલ એપાર્ટમેન્ટે પ્લાન બનાવ્યો હતો. એક દિવસ પહેલા કાલુ કૈલાસ નગર વિસ્તારમાં આવ્યો ત્યારે રાહુલ એપાર્ટમેન્ટ અને તેના માણસોએ કાલુને ચપ્પુના ઘા મારી દીધાં હતાં. લિંબાયત પોલીસે રાહુલ એપાર્ટમેન્ટ સહિત ચારની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે રાહુલ એપાર્ટમેન્ટ પેરોલ જમ્પ કરીને બહાર આવ્યો હતો અને ત્યારબાદ જેલમાં ગયો નથી. આ મુદ્દે રાહુલ એપાર્ટમેન્ટની સામે પોલીસમાં ગુનો પણ નોંધાયો છે.
રાહુલે સિવિલ હોસ્પિટલમાંથી ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવ્યાં હતાં
પ્રાપ્ત માહિતી મુજબ રાહુલ એપાર્ટમેન્ટની પત્નીની તબિયત ખરાબ થતા તેની સારવાર અને રૂપિયાની સગવડ કરવા માટે રાહુલે વચગાળાના જામીન માંગ્યા હતા. આ માટે રાહુલે સિવિલ હોસ્પિટલ તેમજ લેબોરેટરીના ખોટા ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યા હતાં. જો કે, પોલીસ અને સરકારી વકીલની સર્તકતાથી રાહુલ એપાર્ટમેન્ટની આ કરતુત બહાર આવી હતી. કોર્ટે રાહુલના વચગાળાના જામીન નામંજૂર કર્યા હતાં, ખોટા ડોક્યુમેન્ટ બનાવવા બદલ રાહુલની ગુનો પણ નોંધાયો હતો. ત્યારબાદ ફરીવાર રાહુલે પત્નીની સારવારનું જ કારણ રજૂ કરીને વચગાળાના જામીન માંગ્યા હતા. તેને 14 દિવસના જામીન આપવામાં આવ્યાં હતાં. છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી રાહુલ એપાર્ટમેન્ટ પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો છે.