સુરત: સુરત (Surat) શહેરના પુણા વિસ્તારમાં મંગળવારે રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક ટેમ્પોમાંથી ત્રણ જણા લાશ (Dead Body) જાહેર રસ્તા પર ફેંકી ભાગી છૂટ્યા હતા. રસ્તા પર લાશ જોઈ દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. લાશને કફન ઓઢાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે મૃતકનું નામ મહિપાલ જાદવ વાઘમસી (આહિર) છે. તે ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક ખાતે આવેલી ધ્રુવપાર્ક સોસાયટીમાં રહે છે. 36 વર્ષીય મહિપાલ રીક્ષાચાલક હતો. કોઈ અજાણ્યા ઈસમોએ માથાના કપાળના ભાગે ચપ્પુના ઘા અને લાકડાના ફટકા મારી તેની હત્યા કરી છે અને લાશ જાહેર રોડ પર ફેંકી દીધી છે. પોલીસ મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને સીસીટીવી ફૂટેજની મદદથી હત્યારાઓને શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા.
- પૂણા આઈમાતા ચોકડી ખાતે જાહેર રોડ પર મળેલી લાશનો ભેદ ઉકેલાયો
- સફરજન ખરીદવા આવેલા રીક્ષાચાલકની ફ્રૂટવાળાએ હત્યા કરી લાશ રસ્તા પર ફેંકી હતી
- સગીર બાળકે માથામાં ફટકા મારી હત્યા કરી હતી
- ડોક્ટરે બીજી હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા રીક્ષાચાલકને રસ્તા પર ફેંકી દીધો
- સીસીટીવી ફૂટેજની મદદથી ક્રાઈમ બ્રાન્ચે હત્યારા આરોપી પિતા-પુત્રોને પકડ્યા
દરમિયાન સીસીટીવી ફૂટેજ જોતા એવી વિગત બહાર આવી હતી કે એક બોલેરો પીકઅપ વાનમાંથી લાશ ફેંકવામાં આવી છે. પુણાગામ આઈમાતા ચોકડી ક્રોસ રોડ રેસ્ટોરન્ટ પાસે લાશ ફેંકી વાનચાલક ભાગી ગયા છે. આ વિગતોની મદદથી પુણા પોલીસે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. દરમિયાન આ બોલેરો પીકઅપ વાન ફ્રૂટની ગાડી હોવાની માહિતી મળતા પોલીસે ફ્રૂટ માર્કેટમાં તપાસ શરૂ કરી હતી. આ પીકઅપ વાનની મદદથી પોલીસ હત્યારાઓ સુધી પહોંચી હતી. પોલીસે આ હત્યાના કેસમાં 3 આરોપીને અટકાયતમાં લીધા હતા. આ ત્રણેય પિતા-પુત્રો છે.
પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે આરોપી ચંદુ તુલસી દેવીપુજ (ઉં.વ. 42, રહે. અમરધામ સોસાયટી, સીતાનગર ચોક, પુણા, મૂળ પાણીયા અમરેલી) અને તેનો પુત્ર સુનિલ ચંદુ દેવીપુજક (ઉં.વ. 19) તથા અન્ય એક નાનો પુત્ર ફ્રૂટ વેચવાનો ધંધો કરે છે. ચંદુ દેવીપૂજકનો નાનો પુત્ર જે સગીર છે તે બોલેરો પીકઅપ વાન જીજે14X9307 ની અંદર 4 ઓક્ટોબરની રાત્રે ફ્રૂટ વેચી રહ્યો હતો ત્યારે રાત્રિના આશરે 8થી 9 વાગ્યા દરમિયાન રીક્ષાચાલક મહિપાલ આહીર ત્યાં સફરજન લેવા આવ્યો હતો. મહિપાલે સફરજન લીધા બાદ પૈસા આપવાની ના પાડી હતી. મફતમાં સફરજન લઈ જનાર મહિપાલ સાથે ચંદુ દેવીપુજકના નાના પુત્રને ઝઘડો થયો હતો. બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી ત્યારે ચંદુ દેવીપૂજકના નાના સગીર પુત્રએ પોતાની પાસે રહેલા લાકડાના ફટકો રીક્ષાચાલક મહિપાલના માથામાં માર્યો હતો, જેના લીધે મહિપાલના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પછી ચંદુ દેવીપુજક અને તેના બંને પુત્રો ગભરાયા હતા અને મહિપાલને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહેતા તેઓએ મહિપાલને આઈમાતા સર્કલની બાજુમાં રોડ પર જ ફેંકી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીઓને પકડીને ગુનો ઉકેલી આરોપી સુનીલ દેવીપુજક, ચંદુ દેવીપુજક અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરની ધરપકડ કરી છે.