સુરત: (Surat) દર વર્ષે શાસકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈ પણ કાર્યક્રમમાં ફોટો સેશન કરાવતા હોય છે. શનિવારે ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસકોએ ઠેર ઠેર સફાઈ અભિયાન ચલાવી ફોટા પડાવ્યા હતા. પરંતુ આ સફાઈ અભિયાન મુદ્દે પુણા વિસ્તારની બે સોસાયટીઓ (Puna Area Society) દ્વારા રાજકીય પક્ષોનો વિરોધ (Protest) કરવામાં આવ્યો હતો. પુણા વિસ્તારમાં ખાડીની ગંદકીની સમસ્યા વર્ષો જૂની છે. પરંતુ આજદિન સુધી કોઈ પણ કોર્પોરેટર કે નેતા આ સમસ્યાનો નિવેડો લાવી શક્યા નથી. જેથી આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સોસાયટીવાસીઓએ ‘રાજકીય પક્ષોએ અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહી’ તેવાં બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો હતો.
શહેરના પુણા વિસ્તારમાં આવેલી હસ્તીનાપુર અને સહયોગ સોસાયટીમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખાડીની સફાઈ મુદ્દે લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. પારાવાર ગંદકી અને મચ્છરોના અસહ્ય ત્રાસને લીધે આ વિસ્તારમાં ઝાડા-ઊલટી સહિતનો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે શનિવારે સ્થાનિકોએ શાસકો વિરુદ્ધ આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે રહીશોની માંગ છે કે, ખાડી પેક કરાવી રસ્તો બનાવવામાં આવે. કારણ કે, અહીં રસ્તો સાંકડો છે અને વસતી વધારો થઈ રહ્યો છે. રસ્તા પર કોઈ ઈમરજન્સી વાહન આવી શકતું નથી. પરંતુ કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર કે, મનપાના અધિકારીઓ આ સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યા નથી.
આ સોસાયટીના રહીશોની ફરિયાદ છે કે, માત્ર ફોટો સેશન માટે આવતા કોર્પોરેટરો દ્વારા આ વિસ્તારમાં સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ મુદ્દે બિલકુલ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જેથી સોસાયટીની બહાર બેનર લગાવવામાં આવ્યાં છે જેમાં લખવામાં આવ્યું છે કે, ‘‘ખાડીનો પ્રશ્ન હલ કરો, લોલીપોપ આપવાનું બંધ કરો, કોઈપણ રાજકીય પક્ષના લોકોએ અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.’’