સુરત: સુરત (Surat) ના ગોડાદરા વિસ્તારમાં રવિવારના (Sunday) રોજ બજરંગ સેના દ્વારા આપનો (AAP) વિરોધ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આપના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે હિન્દૂ દેવી દેવતા વિરુદ્ધ વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે સમગ્ર રાજકારણ ગરમાયું હતું. બજરંગ સેના દ્વારા રવિવારના રોજ સુરતના ગોડાદરા વિસ્તારમાં આપને બાયકોટ તેમજ તેની વિરુદ્ઘના બેનરો સાથે હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યાં હતાં.
- સુરતના ગોડાદરા વિસ્તારમાં આપનો વિરોધ
- બેનર સાથે બજરંગ દળે લગાવ્યા હાય હાયના નારા
- આપ ના મંત્રીએ હિન્દૂ દેવી દેવતા વિરુદ્ધ કરી હતી ટીપ્પણી
- હિન્દૂ દેવી દેવતા વિરુદ્ધ વિવાદસ્પદ નિવેદનના કારણે સમગ્ર રાજકારણ ગરમાયું
દિલ્હીનાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મંત્રી રાજેન્દ્ર પાલનાં ધર્મ અંગે વિવાદાસ્પદ વિડીયો વાયલર થયો હતો. ત્યારબાદ રાજકારણ ગરમાયું છે. આ વિરોધનો વંટોળ ગુજરાત સુઘી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ શનિવારે સુરત, અમદાવાદ અને રાજકોટમાં આપ પાર્ટી વિરુદ્ધ બેનરો લાગ્યા હતાં. આ બેનરોમાં અરવિંદ કેજરીવાલનાં મુસ્લિમ પોશાક અને ટોપી પહેરેલા બતાવવામાં આવ્યા હતાં. તેમજ બેનર પર ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ, આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેમજ ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’નું પોસ્ટરમાં લખાણ લખાયું હતું. આમ ગુજરાતમાં એક તરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું હતું.
આપના મંત્રીએ સામૂહિક ધર્માંતરણ કાર્યક્રમમાં ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓની નિંદા કરતા વિવાદ
જણાવી દઈએ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટના સામે આવી હતી. સામૂહિક ધર્માંતરણ દરમિયાન કેબિનેટ મંત્રીએ હાજરી આપતા વિવાદ છેડાયો છે. રાજેન્દ્ર ગૌતમે સામૂહિક ધર્માંતરણ કાર્યક્રમમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓની નિંદા પણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મળતી માહિતી મુજબ બુધવારે વિજયાદશમીના દિવસે કરોલબાગમાં રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને તેમણે શપથ લીધા હતા કે, તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહી કરે.