ગાંધીનગર: સુરતના (Surat) હજીરા કાંઠા વિસ્તારમાં હવા, પાણી (Water) અને ધ્વનિનું પ્રદૂષણ (Pollution) ફેલાવતી આર્સેલર મિત્તલ અને નિપ્પોન ઇન્ડિયા લિમિટેડના વિસ્તૃતિકરણનો સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે અને કહ્યું છે કે સરકારે (Government) આ કંપની (Compney) સામે પર્યાવરણના ભંગ બદલ પગલાં લેવા જોઇએ તેમજ કંપનીએ દાખવેલી બેદરકારી બદલ ભારે દંડ વસૂલ કરવો જોઇએ. સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પર્યાવરણ જાહેર સુનાવણી સમિતિની આજે મળેલી બેઠકમાં અલગ અલગ સંગઠનોએ એવી ફરિયાદ કરી હતી કે કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ અને તેનાથી લોકોના સ્વાસ્થ્ય પર પડતી અસર અંગે રજૂઆતો કરી હતી. કંપનીએ જંગલની જમીન દબાવી છે અને તેમાં પ્રદૂષણ છોડે છે તે બાબતે કાંઠા વિભાગ યુવા કોળી સમાજના પ્રમુખ પ્રકાશ કોન્ટ્રાક્ટરે રજૂઆત કરી હતી. તેમણે 36 એવા મુદ્દાઓનું આવેદન આપ્યું છે જેમાં કંપનીએ સરકારના કાયદાનું પાલન કર્યું નથી.
સમાજના પ્રમુખે સમિતિ સમક્ષ જણાવ્યું છે કે કંપનીનો સ્ટીલ પ્લાન્ટ હજીરા તેમજ આજુબાજુના ગામોમાં અવાજના પ્રદૂષણની મર્યાદાનું પાલન કરતી નથી. કંપનીએ ટેક્નિકલ રિપોર્ટમાં પણ છેડછાડ કરી છે તેની તપાસ કરવી જોઇએ. સ્થાનિક લોકોને નોકરી આપવાના નિયમનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. ચોંકાવનારી બાબત એવી છે કે કંપની તેના સ્ટીલ પ્લાન્ટના સ્લેગનો નિકાલ મંજૂરી વિના કૃષિ ક્ષેત્રના વિસ્તારો, સીઆરઝેડ વિસ્તાર તેમજ જંગલની જમીનમાં કરી રહી છે. જોખમી કચરો અને લોખંડનો સ્લેગ ખુલ્લેઆમ નિકાલ કરવામાં આવી રહ્યો છે.
પર્યાવરણ સુનાવણી સમિતિ સમક્ષ કાંઠા વિસ્તારના ગામોના આગેવાન ઠાકોરભાઇ ખલાસીએ કહ્યું હતું કે કંપની દ્વારા જેટ્ટી માટે સીઆરઝેડની મંજૂરી પણ લેવામાં આવી નથી. એટલું જ નહીં, સ્ટીલ પ્લાન્ટના કેપ્ટિવ પાવર પ્લાન્ટ માટે માત્ર એલએનજી અને ગેસની મંજૂરી આપવામાં આવી છે છતાં કોલસાથી ચાલતો પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવતા પ્રદૂષણની માત્રા ગામડાઓમાં પ્રસરી છે. કંપનીએ ઝીરો એફ્યુઅન્ટ ડિસ્ચાર્જનું પાલન પણ કર્યું નથી. આ કંપનીએ પર્યાવરણના કાયદા તેમજ નિયમો તોડ્યા હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ દંડ વસૂલ કરવાની માગણી કાંઠા વિસ્તારના ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. આગેવાનો દ્વારા તાપીના મુખ અને દરિયાકાંઠે એસિડિક અને પ્રદૂષિત ગંદુ પાણી છોડવાના કારણે માછીમારીનો ઉદ્યોગ પડી ભાંગ્યો હોવાની રજૂઆત પણ સમિતિ સમક્ષ કરવામાં આવી છે.