SURAT

‘‘અમારી પરવાનગી વગર કંઈ પણ કામ કર્યુ છે તો તારા હાથ-પગ તોડી નાંખીશું’’- આપને ભાજપના કાર્યકર્તાની ખુલ્લી ધમકી

સુરત: (Surat) શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલા વરસાદના કારણે ઘણા રસ્તા પર ખાડા પડી ગયા છે. ગોડાદરામાં કબૂતર સર્કલથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી ડિંડોલી પુલ તરફ આવેલા મેઇન રોડ પર વરસાદને લઇ ગાબડાં પડી ગયાં છે. અહીં જ રઘુનંદન રો હાઉસ પાસે શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતની ઓફિસ છે. આ રોડ પર પડેલા ખાડાથી રાહદારીઓને હાલાકી થતાં આપના યુવા મોરચાના મહામંત્રી શ્રવણ જોષીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ સંદર્ભે પાલિકામાં ઓનલાઇન કમ્પ્લેઇન કરી હતી. જેથી મનપા દ્વારા પેચવર્ક શરૂ કરાયું હતું. જ્યાં આપના કાર્યકર્તા પણ હાજર હતા અને આ વાતની જાણ થતા જ ભાજપના (BJP) કાર્યકર્તાઓ પણ દોડી આવ્યા હતા અને આપ તેમજ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મનપાની કામગીરીને લઈ ગાળાગાળી અને ધક્કામુક્કી થઈ હતી તેવી અરજી આપના (AAP) કાર્યકર્તા દ્વારા પોલીસને કરાતાં વિવાદ થયો છે.

ગોડાદરામાં આપના કાર્યકર્તાની પોલીસને કરાયેલી અરજી મુજબ મંગળવારે મનપાની ટીમ આ રોડ પર પેચવર્કની કામગીરી કરવા માટે ગઇ હતી. મનપાએ ઓનલાઇન ફરિયાદ કરનાર શ્રવણ જોષીને ફોન કરી ત્યાં બોલાવ્યો હતો. આ જ સમયે ભાજપના સ્થાનિક નગરસેવિકા વર્ષા બલદાણિયા, તેનો પતિ મથુર તથા સ્થાનિક વોર્ડના કાર્યકર્તા સહિત 15થી 20 લોકોનું ટોળું ત્યાં દોડી આવ્યું હતું. અને આપના કાર્યકર્તા શ્રવણ જોષીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ધમકી આપવામા આવી હતી કે, અમારી પરવાનગી વગર કંઇ પણ કામ કર્યું છે તો તારા હાથ-પગ તોડી નાંખીશું. પોલીસ અને સરકાર અમારી છે. પોલીસવાળા અમારું કશું બગાડી શકવાના નથી. આપના કાર્યકર્તા શ્રવણ જોષીએ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી અને તેમાં વિગતો આપી હતી કે, ભાજપના કાર્યકરોએ તેની સાથે ગાળાગાળી કરી હતી. અને કાર તોડી નાંખવાની ધમકી આપી હતી.

આપનો કાર્યકર્તા મોબાઈલમાં વિડીયો ઉતારી મનપાના કર્મચારીને હેરાન કરતો હતો: શાસક પક્ષ નેતા અમિત રાજપૂત
આ અંગે શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે જણાવ્યું હતું કે, આપના કાર્યકર્તાઓ નાની નાની વાતમાં મનપાના અધિકારીઓને હેરાન કરતા હોય છે. રસ્તાની કામગીરીને લઈ આપના કાર્યકર્તા શ્રવણ જોષી મોબાઇલમાં વિડીયો ઉતારી ત્યાં કામ કરી રહેલા મનપાના કર્મચારી સાથે માથાકૂટ કરી રહ્યો હતો. જેને લઇ ટ્રાફિક જામ થઇ જતાં ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ સ્થાનિક સોસાયટીની મહિલાઓ સાથે બબાલ કરી હતી. જેથી ભાજપના કાર્યકર્તા દ્વારા પણ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.

Most Popular

To Top