સુરત: પોલીસ કમિશનર (Police Commissioner) અજયકુમાર તોમરે શહેરમાંથી મોટા ભાગની ગેંગનો ગુજસીટોકનું હથિયાર ઉગામી સપાટો બોલાવ્યા બાદ હવે વ્યાજખોરોની ગંદકીને દૂર કરવા માટે પ્રણ લીધું છે. સામાન્ય માણસને વ્યાજના ચક્રમાં ફસાવનારાઓને પકડવા માટે ઝુંબેશ ઉપાડી છે. જે અંતર્ગત શહેરમાં વ્યાજખોરોની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. જેના ભાગ રૂપે અમરોલી પોલીસે (Police) વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત (Suicide) કરવા જઈ રહેલા દંપતીને બચાવી 6 વ્યાજખોરને પકડી પાડ્યા હતા.
શહેરમાં વગર લાઇસન્સે ઊંચા દરે નાણાં ધીરનારનો ધંધો કરી પઠાણી ઉઘરાણી કરી આમ જનતાને માનસિક ત્રાસ આપતાં વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે સૂચના આપી છે. અમરોલી વિસ્તારમાં રહેતા ભાનુ વજા પરમારના બે પુત્ર રત્નકલાકાર છે. તેમના એક પુત્રને પથરીની બીમારી હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન ફેઈલ જતાં પુત્રને હાર્ટની બીમારી પણ થતાં ઓપરેશન માટે 3 લાખની જરૂર હતી. તેમને મિત્રો પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા.
મિત્રોના આ રૂપિયા ચૂકવવા માટે તેમને પાનનો ગલ્લો ચલાવતા યશ ઉર્ફે સુશીલકુમાર વેંકટરામન ઐયર પાસેથી 17 ટકા માસિક વ્યાજે 7 લાખ રૂપિયા લીધા હતા. અને ત્યારથી વ્યાજનું વિષચક્ર શરૂ થયું હતું. આ પૈસા ચૂકવવા તેને બીજા પાસેથી, ત્રીજા પાસેથી એમ કરીને પૈસા લેવાનું શરૂ કરતાં અંતે ધમકીઓ મળવા લાગી હતી. તેમનાથી કંટાળી 18 ઓગસ્ટે અમરોલી પોલીસમાં અરજી કરી હતી. પોલીસે ભાનુભાઈનો સંપર્ક કરતાં તે ખૂબ જ ડિપ્રેશનમાં હતા. જેથી પીઆઈ વી.યુ.ગડરિયાની સૂચનાથી પીએસઆઈ એમ.જી.રાઠોડ તથા પીએસઆઈ જે.કે.બારિયા તથા તેમનો સ્ટાફ ભાનુભાઈના ઘરે ગયા હતા. ભાનુભાઈ તેમની પત્ની સાથે મળી આપઘાતની તૈયારી કરતા હતા. તેમની પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેથી તાત્કાલિક તેમની પૂછપરછ કરતાં વ્યાજના વિષચક્રની હકીકત બહાર આવી હતી.
વ્યાજખોર 6 રાક્ષસની અમરોલી પોલીસે ધરપકડ કરી, એક વોન્ટેડ
પોલીસની ટીમે પાનનો ગલ્લો ચલાવતા યશ ઉર્ફે સુશીલ વેંકટરામન ઐયર (ઉં.વ.૪૧) (રહે., સાંઇધામ રેસિડેન્સી, જૂનો કોસાડ રોડ, અમરોલી), સની નિલેશ બારૈયા (ઉં.વ.૨૧) (રહે., જીવનજ્યોત સોસાયટી, મહાવીર હાઇટ્સની સામે, અમરોલી), સુરત મનપામાં સફાઈ કામદારની નોકરી કરતા જેન્તી ઉર્ફે મેહુલ કાન્તુ સોલંકી (ઉં.વ.૪૪) (રહે., સાંઈધામ સોસા., જૂનો કોસાડ રોડ, અમરોલી), મિલેનિયમ માર્કેટમાં નોકરી કરતા જિગ્નેશ અરુણ પટેલ (ઉં.વ.૪૬), પાણીનો ટેમ્પો ચલાવતા મહેશ ઉર્ફે મુના ભગવાનદાસ પટેલ (ઉં.વ.૪૮) (રહે.,૮૧-સાંઇ આશિષ સોસાયટી, અમરોલી) તથા જનરલ સ્ટોર્સ ચલાવતા રાહુલ દીપક શાહ (ઉં.વ.૩૪) (રહે., ૩૬ ઓમનગર સોસાયટી, કોસાડ રોડ, અમરોલી)ની ધરપકડ કરી હતી. જ્યારે પાનનો ગલ્લો ચલાવતા સુરેશ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
કોઈપણ વ્યક્તિ વ્યાજખોરોના વ્યાજચક્રમાં ફસાયું હોય તો પોલીસનો સંપર્ક કરે
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, શહેરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલ કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી શકે છે. જરૂર પડે તો એસીપી, ડીસીપી અને પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી શકે છે. આ માટે એક ટીમ બનાવીને ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી છે.
વ્યાજખોરોની માહિતી સર્ચ કરવા ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગી
શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી ઘણા પરિવાર માનસિક વેદનાઓમાંથી પસાર થઈ રહ્યા છે. પરંતુ સમાજમાં ઇજ્જતના ભયના ઓથે બેસેલા આ પરિવારો ક્યાં તો જીવન લીલા સંકેલી લે છે, ક્યાં તો ગુમનામીમાં જતા રહે છે. આવા લોકોને પોલીસ કમિશનરે પોલીસનો સંપર્ક કરવા કહ્યું છે. સાથે જ ક્રાઈમ બ્રાંચની એક ટીમ બનાવવામાં આવી છે. જે શહેરમાં આવા વ્યાજખોરોની તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરશે.
દેવામાં ડૂબેલા બનેવીને વ્યાજચક્રમાં ફસાવનારાઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા
અડાજણ ખાતે રહેતા પરમેશ્વરે દેવામાં ડૂબેલા બનેવીને વ્યાજે રૂપિયા અપાવવા માટે પોતાના મકાનનો દસ્તાવેજ વ્યાજખોરો પાસે આપ્યો હતો. વ્યાજખોરોએ 2.60 લાખ 5 ટકે આપી 45 લાખના મકાનનો વેચાણ કરાર લખાવી લીધો હતો. અને દસ્તાવેજ પરત કરવા માટે 10 લાખની માંગણી કરી હતી. અને જો પૈસા ના હોય તો 10 લાખ લઈને મકાન વેચાણ કરવા દબાણ કરતા ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. દરમિયાન આરોપી હરેશ ગુરૂમુખદાસ નેભનાણી (રહે.,ગાર્ડન વ્યૂ, રાંદેર) અને દિલીપ પ્રકાશ વાઘવાણી (રહે., મણીભદ્ર વ્યૂ, પાલ)ની ધરપકડ કરી હતી. તેવી જ રીતે પુણાગામ ખાતે શિવછાયા એપાર્ટમેન્ટમાં રહેતા ઉર્વિશ પીયૂષ અગ્રાવતે અશ્વિન ઉદયગીરી ગોસ્વામી (રહે.,નવી શક્તિવિજય સોસાયટી, વરાછા) પાસે પોતાની કાર ગીરવે મૂકી 80 હજાર 10 ટકા માસિક વ્યાજે લીધા હતા. જેની સામે 77 હજાર વ્યાજ ચૂકવી દીધું હતું. આરોપી દ્વારા બીજા 95 હજારની માંગણી કરાતી હતી. ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં પણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.