સુરત: દુનિયાભરમાં પ્રખ્યાત એવા ગુજરાતના ગરબા એટલે કે નવરાત્રિ ઉત્સવની કાઉન્ટડાઉન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સુરત પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપીને ખાસ બંદોબસ્ત તૈયાર કરવામાં આવ્યો છે.“નવરાત્રિમાં ટપોરીઓની ખેર નથી”એ મંત્ર સાથે પોલીસ તંત્રે ફુલપ્રૂફ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે.
- SHE ટીમ ખેલૈયાના ડ્રેસમાં કાર્યક્રમો પર નજર રાખશે
- ગરબા સ્થળોની આસપાસના પાર્કિંગ અને ડાર્ક સ્પોટ પર લાઈટોની વ્યવસ્થા કરાશે
શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે માહિતી આપતા જણાવ્યું હતું કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન શહેરમાં 1,000થી વધુ સ્થળે ગરબાના આયોજનો થવાના છે. તેમાં કોમર્શિયલ, નોન-કોમર્શિયલ અને શેરી ગરબાનો સમાવેશ થાય છે. આ તમામ આયોજનોમાં બહેન-દીકરીઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે સુરત પોલીસ સજ્જ બની છે.
મહિલા સુરક્ષાને લઈને સૌથી વધુ ભાર SHE ટીમ પર મુકવામાં આવ્યો છે. ટીમના સભ્યો ટ્રેડિશનલ ડ્રેસમાં જ લોકમેળામાં હાજરી આપશે, જેથી તેઓ ભીડમાં સરળતાથી ભળી જાય અને કોઈપણ રોમિયોગીરી કરનાર યુવક કે ટપોરીને રંગે હાથ ઝડપાઈ શકે.
ખાસ કરીને પાર્ટીપ્લોટ, ગરબા ગ્રાઉન્ડ અને પાર્કિંગ ઝોનમાં SHE ટીમની હાજરી ફરજિયાત રાખવામાં આવશે. ગરબા સ્થળોની આસપાસના પાર્કિંગ વિસ્તારો અને ડાર્ક સ્પોટ પર ફરજિયાત લાઈટોની વ્યવસ્થા કરાશે. સુરક્ષા કેમેરા અને સીસીટીવી માધ્યમથી મોનિટરિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
પોલીસ તંત્રના જણાવ્યા મુજબ મહિલાઓની સુરક્ષામાં કોઈ પ્રકારની ખામી રહે નહીં તે દિશામાં કડક પગલાં લેવાયા છે.શહેરમાં નવરાત્રિના ગરબાના આયોજનો દરમિયાન સુરક્ષા જાળવવા માટે પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો તહેનાત કરવામાં આવશે.
તહેવારના માહોલમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્રદ્ધાળુઓ ગરબાનો આનંદ લઈ શકે એ જ હેતુ છે.ડીસીપી, એસીપી તથા તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે, તેમજ ટ્રાફિક વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવશે.
નવરાત્રિમાં શ્રદ્ધા અને આનંદની સાથે સુરક્ષાનો માહોલ જળવાઈ રહે એ માટે સુરત પોલીસના પ્રયાસો પ્રશંસનીય ગણાવી શકાય. શહેરના લોકો હવે નિર્ભયતાથી ગરબાની મસ્તીમાં ઝૂમી શકે તે માટે પોલીસ તંત્ર ખડેપગે છે.
આયોજકોએ ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો
- આયોજન સ્થળે નિયમ મુજબના ફાયર સેફ્ટી સાધનો ઉપલબ્ધ રાખવા પડશે.
- ઈમરજન્સીની પરિસ્થિતિમાં ફાયરના વાહનો સરળતાથી અંદર-બહાર જઈ શકે, તે માટે એન્ટ્રી અને એક્ઝિટની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.
- પંડાલમાં ઇલેક્ટ્રિક સામગ્રી અને ફાયર ઇક્વિપમેન્ટ સુરક્ષિત રીતે ગોઠવવા પડશે
- કાર્યક્રમ દરમિયાન ફાયરના તમામ સાધનોના જાણકાર વ્યક્તિને ફરજ પર હાજર રાખવાનો રહેશે.
- રેતી ભરેલી 2 ડોલ તથા ગ્રાઉન્ડની સાઇઝ મુજબ દર 50 મીટરે 200 લિટરના પાણીના બેરલ રાખવા.