સુરત : પોલીસ (Police) કમિશનર દ્વારા શહેરમાં આજે સાગમટે 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો હતો. જેમાં ‘કહી ખુશી કહી ગમ’ જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં પોલીસ કમિશનરે આજે સાગમટે દસ પોલીસ ઇન્સ્પેક્ટરોની (Police Inspectors) બદલી કરી હતી. બપોરે પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા કરાયેલા આ ઓર્ડર બાદ શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. ઘણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરો લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હતા. તો ઘણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ હજી થોડા મહિના પહેલા જ મુકવામાં આવ્યા હોવા છતાં તેમની ફરી બદલી કરી દેવાઈ હતી. આ બધામાં ઘણા પીઆઈને સરવાળે હળવા તો ઘણાને અતિભારણ વાળા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. જેમાં પૂણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.યુ.ગડરીયાને અમરોલીમાં અને અમરોલીના પીઆઈ આર.પી.સોલંકીને પૂણા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.
- પોલીસ કમિશનર દ્વારા કરાયેલા આ ઓર્ડર બાદ અનેક પોલીસ સ્ટેશનમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો
- ઘણા પીઆઈને સરવાળે હળવા તો ઘણાને અતિભારણ વાળા પોલીસ સ્ટેશનમાં મુકાયા
- 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો
- પીઆઇ બુબડિયાના સ્ટાર ફરીથી બગડ્યા, બે જ મહિનામાં હજીરા રવાના
- ડિંડોલી પીઆઈ એમ. એલ. સાળુંકે અને પીઆઈ કે. આઈ. મોદીને ક્રાઈમ બ્રાંચમાં મુકાયા
થોડા મહિના પહેલા જ ટ્રાફિકમાંથી અઠવા પોલીસ સ્ટેશનમાં મુકાયેલા પીઆઈ જે. બી. બુબડીયાને હજીરા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. જ્યારે હજીરાના પીઆઈ આર. આર. દેસાઈને સચિન પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. સચિન પોલીસ સ્ટેશનનો ચાર્જ હાલ સ્પેશિયલ બ્રાંચના પીઆઈ કે. આઈ. મોદી પાસે હતો. કે. આઈ. મોદીને ક્રાઈમ બ્રાંચમાં મુકાયા છે. જ્યારે ડિંડોલી પીઆઈ એમ. એલ. સાળુંકેને પણ ક્રાઈમ બ્રાંચમાં મુકાયા છે. જ્યારે ટ્રાફિક શાખામાંથી જે. એન. ઝાલાને ડિંડોલી પીઆઈ તરીકે મુકાયા છે. જહાંગીરપુરા પીઆઈ એ. પી. ચૌધરીને અઠવા પીઆઈ તરીકે મુકાયા છે. કંટ્રોલ રૂમ પીઆઈ પી. ડી. પરમારને જહાંગીરપુરામાં મુકાયા છે. ક્રાઈમ બ્રાંચ પીઆઈ ઝેડ. એન. ઘાસુરાને ઇકો સેલમાં મુકાયા છે.