સુરત: ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ બાદ સુરત પોલીસ સફાળી જાગી છે. હત્યારો ફેનિલ ગ્રીષ્મા જ્યાં રહેતી હતી તે સોસાયટીની બહાર બે રેમ્બો ચપ્પુ લઈને ફરી રહ્યો હતો. ગ્રીષ્માના કાકાના પેટમાં ચપ્પુ હુલાવ્યું અને પછી ગ્રીષ્માને પકડી લીધી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન જો કોઈએ પણ પોલીસને ફોન કરી દીધો હોત તો કદાચ ગ્રીષ્મા આજે આપણી વચ્ચે હયાત હોત, પરંતુ ત્યારે એવું બન્યું નહીં. પોલીસ કહે છે કે, કોઈ કે પોલીસને જાણ કરી ત્યાર બાદ માત્ર 5 જ મિનીટમાં જમાદાર ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ તે પહેલાં તો ગ્રીષ્માની હત્યા થઈ ચૂકી હતી. લોકોએ જયારે ફેનિલને સોસાયટી બહાર ચપ્પુ સાથે જોયો ત્યારે જ ફોન કર્યો હોત તો કદાચ ગ્રીષ્મા બચી ગઈ હોત. પરંતુ હવે ભવિષ્યમાં કોઈ બહેન, દીકરી કે શહેરના નાગરિકો સાથે કોઈ અપ્રિય ઘટના નહીં બને તે માટે સુરત પોલીસે એક સકારાત્મક પહેલ હાથ ધરી છે.
સુરત પોલીસે એક વીડિયો બનાવ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં અલગ-અલગ ઈમરજન્સી સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે 100 નંબર પર ફોન કરવામાં આવે છે અને પોલીસ તરત જ દોડી જઈ તે લોકોને મુશ્કેલીમાંથી ઉગારે છે.
આ વીડિયોમાં પોલીસ મેસેજ આપે છે કે ‘બચ્ચા બચ્ચા જાનતા હૈ એક ફોન દૂર હું મૈં, તું ક્યોં હોંસલા હારતા હૈ..’ આ વીડિયોના માધ્યમથી પોલીસ શહેરના નાગરિકોને મેસેજ આપે છે કે તેઓ 100 નંબર પર ડાયલ કરી પોલીસની મદદ મેળવે. પોલીસ માત્ર 5થી 8 મિનીટમાં જ રિસ્પોન્સ કરશે. ઘટનાસ્થળે પહોંચી તમને કોઈ પણ મુશ્કેલીમાંથી બચાશે.