સુરતઃ શહેર પોલીસ કમિશનરનો પદભાર અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યો છે ત્યારથી શહેરમાં પ્રજા હિતના કાર્યો થવા લાગ્યા છે. પોલીસ અંગત રસ દાખવીને પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવી રહી છે. આવું જ કંઈક સુરત શહેરમાં તાજેતરમાં બન્યું છે.
પ્રજા પોતાની સમસ્યા પોલીસ સમક્ષ રૂબરૂ કહી શકે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા અવાનવાર લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં સરથાણા ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં એક દુકાન માલિકે પોતાની વ્યથા સંભળાવી હતી. વડીલ દુકાન માલિકે પોતાની દુકાન ભાડે આપી હતી.
જ્યારે તેઓ ભાડુઆત પાસે દુકાનનો કબ્જો પરત લેવા ગયા ત્યારે ભાડુઆતે દાદાગીરી કરી હતી. દુકાનનો કબજો ભાડૂઆત સોંપતો ન હોવાની ફરિયાદ વડીલે લોક દરબારમાં કરવામાં આવી હતી. આધેડ પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રડવા લાગ્યા હતા. બાદમાં પોલીસે કાર્યવાહી કરીને દુકાન ખાલી કરાવી આપી હતી. જેથી આધેડના ચહેરા પર ખુશી આવી ગઈ હતી.
અશોકભાઈએ કહ્યુ કે, હું સરથાણા વિસ્તારમાં હેર સલૂન ચલાવુ છું. 8 મહિના પહેલાં તમામ જીવન મૂડી ભેગી કરી એક દુકાન લીધી હતી. જોકે તે દુકાનનો ભાડૂઆત 3 મહિનાના વાયદા બાદ પણ દુકાન ખાલી કરતો ન હતો. આ સાથે ‘થાય એ કરી લો’ એવી ધમકીઓ પણ આપતો હતો. જીવનની મૂડી બધી આમાં જ લગાવી લીધી હતી. જેથી છેલ્લા બે મહિનાથી તો ખાવાનું પણ ભાવતું ન હતું. પોલીસે ત્રણ જ દિવસમાં મારી દુકાન અપાવી છે. એટલે પોલીસ તો અમારા માટે ભગવાન છે.
પોલીસે કહ્યુ કે, લોકદરબારમાં પોલીસ કમિશનરને સમગ્ર વાત મળી હતી. જેથી સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આપ્યા હતા. સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમણે સુરત પોલીસ કમિશનર અને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો. રડતા આવેલા કાકા હસતા ચહેરે પરત ફર્યા હતા.