સુરત : સુરતની પોલીસને જાણે પ્રજાને મારવાનો પરવાનો મળી ગયો હોય તેમ રોજે રોજ નિર્દોષોને ફટકારવાના એક પછી એક કારનામા બહાર આવી રહ્યાં છે. શહેરમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓ સામે જોવાની હિંમત નહીં કરનાર પોલીસ સામાન્ય માણસો જાણે રીઢા ગુનેગાર હોય તે રીતે તૂટી પડે છે.
- અરજદારોને રંજાડવામાં અને હપ્તાખોરીમાં માહેર પૂણા પોલીસનો વધુ એક વિવાદ
- આ ઘટનામાં 200 લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો ત્યારે પોલીસને પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવાની ફરજ પડી
- છેવટે નિર્દોષ વેપારીઓને ઢોર માર મારનારા 8 પોલીસ કર્મચારી સામે ગુનો
આવો જ એક કિસ્સો હવે પૂણા પોલીસનો બહાર આવ્યો છે. પૂણા વિસ્તારમાં પોલીસના જવાનો વાહન ચેકિંગમાં હતા ત્યારે મોપેડ પર સવાર બે ભાઈઓને ઢોર માર મારી પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા. આ દ્રશ્યોનું વિડીયો ઉતારી રહેલા તેમના મિત્રને પણ પોલીસે માર મારી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. તેમને ઢોર માર મારતા કાંડામાં ફેક્ચર થયું હતું. જ્યારે વિડીયો ઉતારનાર યુવકને કાનમાં સંભળાવવાનું બંધ થઈ ગયું હતું.
બાદમાં 200થી વધારે લોકોનું ટોળુ ભેગું થતા પોલીસને 8 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી. આ વેપારીઓ પર પોલીસ એટલી નિર્દયતાથી તૂટી પડી હતી કે એક વેપારીના કાનનો પડદો ફાટી ગયો હતો જ્યારે બીજાને હાથમાં ફ્રેક્ચર થઇ ગયું છે. આ ઘટનામાં 8 પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો છે.
પરવટ પાટિયા ખાતે વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય મનિષભાઈ મનોજકુમાર જાજુ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. તેમને નાનો ભાઈ કૌશલ (ઉ.વ.23) પણ દુકાનમાં તેમને મદદ કરે છે. ગઈકાલે રાત્રે બંને ભાઇઓ દુકાન બંધ કરીને મોપેડ ઉપર ઘરે જવા નીકળ્યા હતા.
ત્યારે સરદાર માર્કેટ સર્વિસ રોડ પરથી ઇન્ટરસિટી ખાડી પુલ પાસે પોલીસ વાહન ચેકિંગ કરતી હતી. ત્યારે બંને ભાઈઓએ સર્વિસ રોડ પરથી જઈ શકાશે તેવું એક પોલીસ કર્મીને પુછતા તેમણે હા પાડતા તેઓ ત્યાંથી જવા નીકળ્યા હતા. ત્યારે આગળ બીજા પોલીસ કર્મીએ તેમને રોકતા કૌશલે કહ્યું કે આગળ પોલીસને પૂછીને પછી જ આ અમે ગાડી આ રસ્તા પર લીધી છે, હજી તો આ બંને બાઈકસવાર ખુલાસો કરી રહ્યાં છે ત્યાં તો તેમને રોકનાર એક પોલીસ કર્મીએ તમાચો મારી દીધો હતો. કૌશલ અને તેના ભાઈએ મારો કેમ છો તેમ પૂછ્યું તો બીજા ચારેક પોલીસ કર્મીઓએ આવીને તેમને ફટકારવાનું શરૂ કરી દીધું હતું.
ગળાના ભાગેથી પકડી મોપેડ પરથી નીચે ઉતારી ઢોર માર માર્યો હતો. બાદમાં પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં તેમની પાસે માફી પત્ર લખાવી હેલમેટ નહીં પહેર્યાની રસીદ આપી ઘરે જવા દીધા હતા. બાદમાં એમએલસી કરાવતા કૌશલને હાથમાં કાંડા પાસે ફેક્ચર થયું હતું. જ્યારે પોલીસની દાદાગીરીનો વીડિયો ઉતારનાર દેવેન્દ્રને ડાબા કાને સંભળાતુ બંધ થઈ ગયું હતું. બાદમાં 200 લોકોનું ટોળું પૂણા પોલીસ સ્ટેશનને ઘેરી વળતા વિરોધ થતાં મનિષભાઈ મનોજકુમાર જાજુની ફરિયાદ લીધી હતી. અને 8 પોલીસ કર્મીઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વિડીયો રેકોર્ડિંગ કરનારને પણ પકડ્યો : અપને મમ્પી-પાપા કા વિડીયો બના કે અપલોડ કર
કૌશલ અને તેના ભાઈને પોલીસ સ્ટેશનમાં લાવ્યા ત્યારે તેમનો મિત્ર દેવેન્દ્રસિંગ રાજપુરોહિત અગાઉથી ત્યાં બેઠેલો હતો. પોલીસ જ્યારે કૌશલ અને તેના ભાઈને મારતી હતી ત્યારે દેવેન્દ્રસિંગ તેના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરતો હતો. પોલીસ કર્મીઓ તે જોઈ જતા તેને રિક્ષામાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જેમાંથી એક પોલીસ કર્મીએ દેવેન્દ્રસિંગને તું અપને ઘર જા કે અપને મમ્મી પાપા કા વિડીયો બનાના ઓર વિડીયો અપલોડ કરના તેમ કહીને માર માર્યો હતો.
ગાડીમાં પણ સતત મારતાં રહેતા અમારાં 5000 રૂ. પણ પડી ગયા, ચોકીમાં લાવી લાતો મારી
ભોગ બનનાર મનિષ જાજુએ જણાવ્યું હતું કે, અમે જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય તે રીતે યુનિફોર્મ વગરની પોલીસે અમને ઢોર માર માર્યો હતો. મારા ભાઈના ગજવામાં 5000 રૂપિયા અને મહત્ત્વના ડોક્યુમેન્ટ હતા એ પણ તેઓની ગાડીમાં પડી ગયા છે. અને હાથમાં ફ્રેક્ચર થયું છે. ગુનેગારની જેમ ગાડીમાં બેસાડ્યા હતા. અને પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યાં સુધી મારતા હતા. પોલીસચોકીની એક રૂમમાં પણ અમને લાતો મારી હતી.
પહેલા માફી નામુ લખી આપ્યું અને બાદમાં એમએલસી કરીને આવી ફરિયાદ નોંધાવી
પીઆઈ એમસી નાયકે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે આ ત્રણેય યુવકો રોંગ સાઈડમાં આવ્યા હતા. અને તેમણે પોલીસ સાથે માથાકૂટ કરતા તેમને પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જ્યાં તેમણે માફીનામું લખીને આપ્યુ હતું. અને બાદમાં હોસ્પિટલમાં જઈને એમએલસી કરીને આવી પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
પૂણા પોલીસના ડીસ્ટાફ સામે પણ ગંભીર ફરિયાદો
પૂણા પોલીસના ડીસ્ટાફ સામે અગાઉ રબારી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તેમાં ચાર પાંચ વર્ષથી કેટલોક સ્ટાફ ચોંટી ગયેલો છે. કરપ્શનની ફરિયાદો અહીં સામાન્ય વાત છે પરંતુ રાજકીય તત્વોની ઓથ હોવાને કારણે અહીં કોઇ કાર્યવાહી થઇ રહી નથી. આ મામલે આવા પોલીસની સામે શહેર પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી થઇ ગયુ છે. તેમાં પૂણા પોલીસમાં અગાઉ ડીસ્ટાફનું વિસર્જન કરાયુ હતું ત્યારે હાલમાં ફરીથી આ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.