SURAT

સુરતઃ સોસાયટીના પ્રમુખને માર મારનાર ટપોરીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

સુરતઃ શહેરમાં અસામાજિક ગુંડા તત્ત્વોની દાદાગીરી ખૂબ ગઈ છે. રોજ કોઈને કોઈ વિસ્તારમાં ટપોરીઓ દ્વારા સામાન્ય પ્રજાને કનડગત કરાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આવા ગુંડાઓને કાબુમાં રાખવા સુરત શહેર પોલીસે પણ કમર કસી છે. દાદાગીરી, મારામારી કરનારાઓના જાહેરમાં સરઘસ કઢાવી પોલીસ માફી મંગાવી રહી છે.

આવું જ સુરતના ડિંડોલી વિસ્તારમાં બન્યું હતું. અહીંની ઠાકોર નગર સોસાયટીમાં અસામાજિક ગુંડા તત્ત્વો દ્વારા સોસાયટીના પ્રમુખ સાથે દાદાગીરી કરી મારામારી કરવાની ઘટના બની હતી. પોલીસ ફરિયાદ બાદ ડિંડોલી પોલીસે આ લબરમૂછિયા ટપોરીઓને બરોબરનો સબક શીખવાડ્યો હતો.

લબરમૂછીયાઓ ટપોરીઓ વિસ્તારમાં પોતાની ધાક ઉભી કરવા અવારનવાર દાદાગીરી કરે છે. તેઓ અસામાજિક પ્રવૃત્તિમાં જોડાયા છે. થોડા સમય પહેલાં અહીં આવેલા ઠાકોર નગર સોસાયટીના પ્રમુખ સાથે ઝઘડો કર્યો હતો. પ્રમુખને માર માર્યો હતો. જેથી પ્રમુખે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ લબરમૂછિયા ટપોરીઓ ગુંડા બને તે પહેલાં ઉગતાં જ ડામી દેવા માટે તેમની ધરપકડ કરી હતી. બાદમાં લોકોને ભયમુક્ત કરવા માટે તેમનું સરઘસ કાઢ્યું હતું.

ડિંડોલીના ઠાકોર નગરમાં અસામાજિક તત્વો દ્વારા પ્રમુખ સાથે મારામારી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એ જ વિસ્તારની અંદર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં આરોપીઓએ બે હાથ જોડીને લોકોની માફી માગી હતી.

Most Popular

To Top