સુરત: (Surat) એડિશનલ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ જે.એસ.વસાવાએ પોલીસ કમિશનરને ટકોર કરી છે કે, જો તેમની પોલીસ જાહેરનામા ભંગમાં લોકોની સામે ખોટી રીતે ટારગેટ (Target) પૂરો કરવા સીઆરપીસી કલમ 109, 110 અને 151 દાખલ કરવાનું બંધ નહીં કરશે તો સરકાર પક્ષે ખોટી ફરિયાદ દાખલ કરનાર જે તે પોલીસની (Police) સામે ફરિયાદ કરવામાં આવશે.
હાલ સમગ્ર વિશ્વમાં ચાલતી કોવિડ-19 મહામારીની બીમારીના સરકાર અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પણ વખતોવખત જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા છે. જેનો કડક અમલ કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપી છે. એડિશનલ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ તરીકે તેમના હદ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોમાંથી આરોપીઓ વિરૂધ અટકાયતી પગલા રૂપે સીઆરપીસી કલમ 109, 110, 151 મુજબ ચેપ્ટર કેસોની કસ્ટડી માટે રજૂ કરવામાં આવે છે.
એડિશનલ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટએ પોલીસ કમિશનરને પત્ર લખતા જણાવ્યું છે કે, ઘણા દિવસોથી તેમની સમક્ષ ચેપ્ટર કેસોની કસ્ટડી કેસોની કસ્ટડીમાં મોટા ભાગના કિસ્સામાં પોલીસ દ્વારા ખોટા અટકાયતી કેસો કર્યા હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. એટલે કે, ખરેખર શરીર સંબંધી જાહેર સુલેહશાંતિ ભંગવાળા કિસ્સાઓમાં અટકાયતી પગલાના કેસો કરવા જોઈએ, તેની જગ્યાએ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ વાળા કિસ્સાઓમાં પકડાયેલા વ્યક્તિઓ ઉપર ખોટી રીતે ચેપ્ટર કેસો કરી કસ્ટડીમાં રાખીને રજૂ કરવામાં આવે છે.
ભવિષ્યમાં જાહેરનામા ભંગ વાળા કિસ્સાઓમાં પકડાયેલા વ્યક્તિઓ ઉપર હવે જો સીઆરપીસી કલમ 109, 110 અને 151 મુજબના ખોટી અને ઉપજાવી કાઢેલી ફરિયાદ કરવામાં આવેલા ચેપ્ટર કેસો રજૂ કરવામાં આવશે તો સરકાર તરફે પોલીસ ફરિયાદી અને પોલીસ સાહેદોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ટારગેટ પૂરો કરવા પોલીસ ખોટી રીત અપનાવે છે
ખરેખર પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ કિસ્સાઓમાં ઈ.પી.કો. કલમ-188 મુજબ જામીનલાયક કેસો કરવાની કાર્યવાહી કરતી હોય છે. તેના બદલે સીઆરપીસી 109, 110 અને 151 મુજબના કેસો કરી રહ્યા છે. વધુમાં વધુ અટકાયતી પગલાઓના ટારગેટ પૂરો કરવા પોલીસ મથકોમાં પોલીસ આ રીત અપનાવી રહી છે તે અયોગ્ય હોવાનું જણાવ્યું છે.
આ પોલીસ સ્ટેશનોમાં સૌથી વધારે કેસ
દરેક પોલીસ સ્ટેશન દીઠ સરેરાશ 15 થી 20 આરોપીઓની કસ્ટડી રજૂ કરવામાં આવે છે. આમ 30 પોલીસ સ્ટેશનોમાંથી રોજના 250 થી 300 ચેપ્ટર કેસોની કસ્ટડી રજૂ કરવામાં આવે છે. તેમાયે સૌથી વધારે કેસ લિંબાયત, પાંડેસરા, સચીન, સચીન જીઆઈડીસી, ડિંડોલી અઠવાલાઈન્સ, વરાછા, અમરોલી પોલીસ સ્ટેશનમાં આશરે 25 થી 30 જેટલા આરોપીઓની કસ્ટડી રજૂ કરવામાં આવે છે.
પોલીસની મુર્ખામીના લીધે કચેરીમાં ગાઈડલાઈનના ધજાગરા
કચેરીમાં પોલીસ જાપ્તા સાથે આવતી કસ્ટડીના આશરે 250 થી 300 માણસો ઉપરાંત તેમને છોડાવવા આવતા સગાસંબંધી અને જામીનદારો તથા વકીલો ઉપસ્થિત રહે છે. જેના કારણે બહુમાળી બિલ્ડીંગમાં બીજા માળે કોવિડ-19 મહામારી બાબતે ગુજરાત હાઈકોર્ટ અને સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અંગેના નિયમોનો ભંગ થઈ રહ્યો છે.