SURAT

વ્યાજખોરો સામે સુરત પોલીસનો કડક પ્રહાર

સુરત શહેરના ઝોન-4 વિસ્તારમાં પોલીસ દ્વારા વ્યાજખોરીના ગોરખધંધા સામે કડક કાર્યવાહી માટે “લોન મેળો તથા વ્યાજખોરી નાબૂદી અભિયાન” અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના શોષણમાંથી મુક્ત કરાવવાનો અને તેમને કાયદેસર લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો.


આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ સીપી મહેન્દ્ર બાગડીયા અને ડીસીપી નિધિ ઠાકુર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. સાથે જ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી સમગ્ર કાર્યક્રમને ગાંભીર્ય અને મજબૂતી મળી.

પોલીસ કમિશનરે પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, વ્યાજખોરી દ્વારા સામાન્ય લોકોનું શોષણ કરનાર કોઈપણ વ્યક્તિને બખ્શવામાં આવશે નહીં. તેમણે અધિકારીઓને કડક સૂચના આપતા કહ્યું કે, આવા ગુનાખોરો સામે તાત્કાલિક અને સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે.

આ લોન મેળા દરમિયાન કુલ 22 ફરિયાદો નોંધાઈ હતી, જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવેલા પીડિતોએ વ્યાજખોરો વિરુદ્ધ પોતાની વાત રજૂ કરી. ખાસ વાત એ છે કે, ઘણી ફરિયાદોમાં સ્થળ પર જ પ્રાથમિક કાર્યવાહી શરૂ કરીને પીડિતોને તાત્કાલિક રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આ અભિયાનથી સુરત પોલીસનો એક સ્પષ્ટ સંદેશ સમાજ સુધી પહોંચ્યો છે , હવે વ્યાજખોરોની દાદાગીરી સહન કરવામાં નહીં આવે. સામાન્ય લોકો નિર્ભય બની આગળ આવી પોતાની ફરિયાદ નોંધાવે અને કાયદેસરની મદદ લે, તે માટે પોલીસ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

Most Popular

To Top