SURAT

સુરતમાં હવે સ્પા સંચાલકોને જેલની બહાર નિકળવાના ફાંફા પડી જશે, કરાઈ આ કાર્યવાહી

સુરત: (Surat) વેસુ વીઆઇપી રોડ ઉપર આવેલા કિયા સ્પામાં (Spa) પોલીસે પાડેલી રેડમાં (Police Raid) મસાજના નામે ચાલતા દેહવિક્રયના ગોરખધંધામાં સ્પાના માલિક સહિત પાંચ આરોપીએ કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. બીજી તરફ શહેરમાં ચાલતા કપલ બોક્સ (Couple Box) પર પણ તવાઈ જોવા મળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને સાથે રાખીને પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં રેડ કરવામાં આવી હતી

ઉમરા પોલીસે વેસુ વીઆઇપી રોડના આગમ શોપીંગ સેન્ટરમાં મહાલક્ષ્મી ડ્રિમ્સના બીજા માળે કિયા સ્પામાં રેડ પાડી હતી. પોલીસે અહીંથી સ્પાના માલિક અનુરાગ તિવારી, મેનેજર અશોક ચૌધરી, ડિંડોલીમાં રહેતો હિંમાશુ રોહિતસિંગ રાજપૂત, પાંડેસરા કૈલાસનગર પાસે શિવશંકર નગરમાં રહેતો પંકજ જયરાજસિંગ રાજપૂત, વેસુમાં રહેતો હરીશ રાજબહાદૂર પાલ, ડભોલીમાં રહેતો યોગેશ નીમ્બાભાઇ માલી, ઉધનામાં રહેતો સુનીલ રામજસ યાદવ અને કતારગામમાં રહેતો મનોજ ગોપાલભાઇ પેંડાલકરની ધરપકડ કરી હતી. આ મામલે દેહવ્યાપારમાં ફસાયેલી યુવતીઓને પરત તેઓના ઘરે મોકલવાની તજવીજ પોલીસ દ્વારા કરાઇ હતી. આ કેસમાં મનોજ અને સુનીલ યાદવના જામીન નામંજૂર કરાયા હતા, ત્યારે આ કેસમાં બીજા આરોપીઓ અનુરાગ, વિકી, હિંમાશુ, સુનીલ, હરીશપાલ અને પંકજ રાજપૂતના પણ જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.

બીજી તરફ સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ શહેરમાં ચાલતા કપલ બોક્સને લઈને વિરોધ વરસી રહ્યો છે. હત્યાનો આરોપી ફેનિલ કપલ બોક્સ કાફે ચલાવતો હોવાની પોલીસને રજૂઆત થઈ હતી. જેને લઈને હવે શહેરમાં ધમધમતા સ્પા અને કપલ બોક્સ પ્રત્યે લોકોનો રોષ ચરમસીમાએ છે. સુરતમાં પુણા વિસ્તારમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સને લઈ VHP દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં ગોરખધંધા ચાલતા હતા. જેથી વીએચપી દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરાવવામાં આવી હતી.

સુરત શહેરના પોશ વિસ્તારો પણ હવે સ્પાના નામે ચાલતા ગોરખધંધાથી બદનામ થઈ રહ્યા છે. ત્યારે લોકોનો ગુસ્સો ફૂટ્યો છે. શહેરના જાગૃત નાગરિકો અને સામાજીક સંસ્થાઓ હવે આ ગોરખધંધા બંધ કરાવવામાં માટે મેદાને ઉતર્યા છે. ત્યારે લોકોમાં એવી પણ ચર્ચા છે કે આ ગોરખધંધાઓને બંધ કરાવવાની જવાબદારી સુરત શહેર પોલીસની છે ત્યારે અવારનવાર સ્પાના નામે ચાલતા ગોરખધંધાઓ સામે આવ્યા બાદ પણ પોલીસ શા માટે અત્યાર સુધી મૂક પ્રેક્ષક બની રહી હતી. હવે જ્યારે સુરતીઓનો ગુસ્સો ફૂટ્યો છે ત્યારે પોલીસ પણ ગાઢ નિંદ્રામાંથી જાગી હોય તેમ કામે લાગી છે.

Most Popular

To Top