SURAT

સુરતમાં સ્નેચરો પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યાં હોય તેવાં કિસ્સા સામે આવ્યા

સુરત: શહેરના રાંદેર (Rander) અને અડાજણ (Adajan) વિસ્તારમાં સ્નેચરો પોલીસની (Police) આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. રાંદેરમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન ખેંચતાં મહિલાએ પ્રતિકાર કરતાં તેને થપાટ મારી પાડી દેવાઈ હતી. જ્યારે અડાજણમાં પણ વૃદ્ધ મહિલાના ગળામાંથી બે સ્નેચરે 80 હજારનો અછોડો તોડ્યો હતો. રાંદેર અને અડાજણ પોલીસે (Police) આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  • રાંદેર અને અડાજણ પોલીસની આબરૂ ઉડાવતા સ્નેચરો, પોલીસ ચોકીની સામેથી વૃદ્ધાના ગળામાંથી ચેઈન ખેંચી
  • વૃદ્ધાને માથા અને હાથના ભાગે ઇજા થતાં સારવાર કરાઈ હતી

રાંદેર તાડવાડી ખાતે દીપા સોસાયટીમાં રહેતી 58 વર્ષીય નીતાબેન ઇન્દ્રવદનભાઈ મકવાણાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ગત 22 તારીખે પતિ સાથે બાઈક ઉપર નીકળ્યા હતા. તેમણે ગળામાં 45 હજારની કિંમતની સોનાની ચેઈન પહેરી હતી. બાદ તેના પતિ બેંક ઓફ બરોડા પાસે મૂકીને નીકળી ગયા હતા. ત્યાંથી નીતાબેન પગપાળા ઘરે જવા નીકળ્યાં હતાં. રાંદેર તાડવાડી સંગના સોસાયટીના નાકા પાસે એક બાઈક ઉપર આવેલા બે અજાણ્યાએ ચેઈન ખેંચવા પ્રયાસ કર્યો હતો. નીતાબેને પ્રતિકાર કરતાં સ્નેચરે તેમને ધક્કો મારીને નીચે પાડી દેતાં નીતાબેનને માથા અને હાથના ભાગે ઈજા પહોંચી હતી. નીતાબેન પરત ઊભા થવા જતાં તેમને એક થપાટ મારી પાછા પાડી દીધા હતા. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

બીજી ઘટનામાં અડાજણ ખાતે સૌરભ રો હાઉસમાં રહેતા 39 વર્ષીય દીપકભાઇ જેઠાભાઇ પટેલ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની માતા રાઈબેન (ઉં.વ.58) ગત તા.20 તારીખે ઘર નજીક શાકભાજી લેવા ગયાં હતાં. ત્યારે સૌરભ પોલીસ ચોકીની સામે આવેલી ગલીમાં શિવધારા સોસાયટી પાસે બાઈક ઉપર આવેલા બે અજાણ્યા તેમના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી નાસી ગયા હતા. જેથી દીપકભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં તેમની માતાની સોનાની 80 હજારની ચેઈન સ્નેચિંગ થયાની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top