સુરત: શહેરના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના *NO DRUGS IN SURAT CITY” ના અભિયાન હેઠળ સુરત પોલીસે વધુ એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈથી સુરતમાં ડ્રગ્સની ડિલીવરી કરવા આવેલા ઈસમને સુરત પોલીસે (Surat Police) પકડી તેની પાસેથી રૂપિયા 79 લાખની કિંમતનું 792 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન (Mephedrone) ડ્રગ્સ (Drugs) પોલીસે કબ્જે લીધો છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.દેસાઇ દ્વારા આવી પ્રવૃતી કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલા હતા. તે દરમ્યાન સારોલી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અ.પો.કો વિલેશ જશવંતભાઇ ગામિતને બાતમી હકીકત મળી હતી કે, મોહમદ એહમદ ઉર્ફે મોનુ નામનો મુંબઇનો ઇસમ મુંબઇથી એમ.ડી ડ્રગ્સ લઈ સુરત આવી રહ્યો છે. તે સુરતમાં નિયોલ ચેક પોસ્ટ પાસેથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે સારોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.દેસાઇ તથા સારોલી પોલીસ સ્ટેશનનાપીએસઆઈ એચ.કે.દરજી સહિતના સ્ટાફ દ્વારા કડોદરા- સુરત હાઈ-વે ઉપર આવેલા નિયોલ પોલીસ ચેક પોસ્ટ પાસેના ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી.
અહીંથી સારોલી પોલીસે મોહંમદ એહમદ ઉર્ફે મોનુ S/O રમજાનઅલી સરીફઉલ્લા ઇદ્રીશ (દરજી) (ઉ.વ.૩૫ ધંધો દરજી કામ રહે. દિલ્હી હોટલની બાજુની ગલીમા પીલા બંગલા ધારાવી ઝુંપડપટી મુબઇ મુળ રહે. ગામ પ્રતાપપુર ચોરાહા પો.સ્ટ. કટેહરી તહસીલ અકલપુર જીલ્લો અંબેડકરનગર (ઉત્તરપ્રદેશ) )ને એક કાળા કલરની ટ્રાવેલીંગ બેગમાં માદક પદાર્થ મેફેડ્રોન કુલ વજન 792 ગ્રામ જેની કિમંત રૂ. 79,20,000 તથા અંગ ઝડતીના રોકડા રુપીયા 1100, બે મોબાઇલ ફોન કિં. રૂ. 7700 મળી કુલ કિ.રૂ. 79,28,200/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપી વિરૂધ્ધમાં સારોલી પોલીસ સ્ટેશનમાં NDPS એકટ-1985ની કલમ- 8(સી), 22(સી), 29 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આરોપીએ પુછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, “પોતે મુબંઇ નો રહેવાસી છે અને મુબંઇ નલબજાર ખાતે રહેતા સેહબાઝ પાસેથી મુંબઇ સાઇન રેલ્વે સ્ટેશન પાસેથી સદર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મેળવી અને સુરત શહેર ખાતે પહોચીને આસીફ નામના ઇસમને સદર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવાનો હતો. ”
સુરતમાં ડ્રગ્સ ઘૂસાડવા સપ્લાયરો નવી તરકીબ અજમાવી
ડ્રગ્સ સપ્લાયરોની સુરતમાં ડ્રગ ઘુસાડવા માટેની નવી તરકીબ અજમાવી રહ્યા છે. એકાદ મહિના પહેલાં પણ આ રીતે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનમાં મુંબઈથી લઈને સુરત સુધી એક સપ્લાયર આવ્યો હતો. આ સપ્લાયરો પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવે છે અને ત્યાર બાદ સુરત નજીક ઉતરી જઈ ત્યાંથી ચાલતાં ચાલતાં પ્રવાસીની જેમ બેગમાંથી ડ્રગ્સ લઈને સિટીમાં ઘુસે છે. સતત બીજી વખત સારોલી પોલીસ ચેક પોસ્ટ પાસેથી ચાલતો આવી રહેલા આ ડ્રગ્સ સપ્લાયરને પકડી પાડવામાં આવ્યો છે.