સુરત: સલાબતપુરા વિસ્તારમાં રિક્ષામાં (Auto) સવાર મુસાફરના 64 હજાર રૂપિયા તફડાવી લેવાના ગુનામાં ફરાર આરોપી મહિલાને (Women) સ્પેશિયલ ઓપરેશન (Special Operaction) ગ્રુપે નાનપુરા કાદરશા નાળ પાસેથી બાતમીને આધારે ઝડપી લીધી હતી. ઝડપાયેલી મહિલાની પુછપરછ કરતા તેણીનો પતિ ઝઘડો કરી તેને એકલી મુકી જતો રહ્યો હોય ઘર ખર્ચ માટે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
એસઓજીની ટીમે બાતમીને આધારે રિક્ષામાં બેસેલા મુસાફરના રોકડા રૂ.64 હજારની ચોરી કરવાના ગુનામાં ફરાર રાબીયા મુસ્તુફા શાનાનપુરાને શનિવારે ઝડપી પાડી હતી. પુછપરછ કરતા રાબીયાએ કબુલાત કરી હતી કે, પતિ ઝઘડો કરીને તેને એકલી મુકી જતો રહ્યો હતો. ઘર ખર્ચના પુરતા રૂપિયા ન હોય તેના બનેવી ઇન્તજાર ઉર્ફે નૈયા સૈયદ નિશારે તેને રૂપિયાની લાલચ આપી હતી. એક મહિના પહેલા સૈયદ ઇન્તજારે તેના મિત્રો અરબાઝ મેહમુદ શેખ અને ઇરફાન ફરીદ શેખ સાથે એક રિક્ષામાં રાબીયાને મોકલી હતી. આ રિક્ષા રાજમાર્ગ ઉપરથી પસાર થતી હતી ત્યારે એક પેસેન્જરની નજર ચુકવી 64 હજાર ચોરી લેવાયા હતા ત્યારબાદ રિક્ષા બગડી ગઇ હોવાનું નાટક કરી મુસાફરને રાજમાર્ગ પોસ્ટ ઓફિસ પાસે ઉતારી આ ટોળકી ફરાર થઇ ગઇ હતી.
રાંદેરમાં વકીલના મકાનમાંથી 5 લાખ રોકડ અને દાગીના મળી 11.72 લાખની ચોરી
સુરત: રાંદેર મોરાભાગળ ખાતે રહેતા વકીલના મકાનમાંથી ગઈકાલે રાત્રે તસ્કરો દરવાજાનો નકુચો તોડી દાગીના અને રોકડ 5 લાખ મળી 11.72 લાખની ચોરી કરી ગયા હતા. સીસીટીવીમાં ઇકો કારમાં આવેલા ચાર તસ્કરો નજરે પડે છે. રાંદેર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
મોરાભાગળ ખાતે દુર્ગાપુરી સોસાયટીમાં રહેતા 42 વર્ષીય નિમેષભાઇ રાજેશભાઇ પટેલ વકીલાતનો વ્યવસાય કરે છે. ગઈકાલે નિમેષભાઈના નાનાનું નિધન થતા તેઓ એકલા કમરોલી ગામ ઓલપાડ ખાતે ગયા હતા. ત્યારે તેમની પત્ની અને બે સંતાનો ઘરે જ હતા. રાત્રે તેઓ ઘરે આવ્યા બાદ ઉપરના રૂમમાં સુવા માટે ગયા હતા. તેમની પત્ની અને બાળકો નીચેના રૂમમાં હતા. રાત્રે તેમની પત્ની દરવાજો બંધ કરીને ઉપર સુવા ગઈ હતી. સવારે ઉઠીને જોતા ઉપરના રૂમનો દરવાજો બહારના ભાગેથી બંધ હતો. જેથી તેમના છોકરાએ અંદરથી હાથ નાખી દરવાજો ખોલ્યો હતો. નીચે આવીને જોતા ઘરનો મેઈન દરવાજાનો નકુચો તુટેલો હતો. અંદરના રૂમમાં જઈને જોતા કબાટમાંથી મુકેલા દાગીનાની ચોરી થઈ હતી. જેમાં 6.72 લાખના દાગીના અને રોકડ 5 લાખની ચોરી થઈ હતી. કબાટમાંથી કુલ 11.72 લાખની ચોરી થઈ હતી. રાંદેર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા ચાર અજાણ્યા ઇકો કારમાં આવીને ચોરી કરી નાસી ગયા હોવાનું સીસીટીવીમાં દેખાય છે. આ ઇકો કાર માંડવીથી ચાર દિવસ પહેલા ચોરી થઈ હતી. અને ચોરી કરીને તસ્કરો કડોદરા-પલસાણા સુધી જઈને બાદમાં ગાયબ થઈ ગયા હતા.