સુરત: અઢી મહિના પહેલાં ગુમ થયેલા એક બાળકને સુરતના મિસિંગ સેલે તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. આમ તો આ મિસિંગનો સામાન્ય કિસ્સો લાગે પરંતુ તેમાં ઘણા ટ્વીસ્ટ છે. વાત એમ છે કે મામા મારતા હોવાના લીધે બાળક ઘરેથી ભાગી ગયો હતો. અઢી મહિના સુધી ભિક્ષુકની જેમ રસ્તા પર જીવન વિતાવતો હતો. તેને ઘરે માતા પિતા પાસે નહીં પરંતુ બિહાર દાદી પાસે જવું હતું એટલે એ ભીખ માંગી પૈસા ભેગા કરતો હતો. બીજી તરફ માતા પિતાએ પણ તેના ગૂમ થવા અંગે પોલીસને કોઈ ફરિયાદ આપી નહોતી. એટલું જ નહીં બાળક મળ્યો ત્યારે પિતા પોતાના જ બાળકને ઓળખી પણ શક્યા નહોતા. પરંતુ આ સમગ્ર કેસમાં સુરતના મિસિંગ સેલની નિષ્ઠા અને મહેનતના લીધે એક બાળક પોતાના પરિવારને ફરી મળી શક્યો હતો.
આ કિસ્સાની શરૂઆત તા. 17 માર્ચના રોજથી શરૂ થઈ. તા. 17 માર્ચે મહિલા અને બાળમિત્ર સંસ્થાના કો-ઓર્ડિનેટર પિયુષકુમાર શાહને સુરત સિવિલની એમ્બ્યુલન્સના ડ્રાઈવરનો ફોન આવ્યો હતો. ડ્રાઈવરે કહ્યું કે, સુરત સિવિલના પીએમ રૂમ પાસે બાંકડા પર એક લાવારીસ બાળક બેઠો છે. તે પોતે બિહારી હોવાનું કહે છે. તમે તેના માટે કંઈ કરો?
આ ફોન આવ્યા બાદ પિયુષકુમાર શાહ તે બાળક પાસે ગયા હતા. બાળક લાચાર અને થાકેલો જણાતો હતો. પિયુષકુમાર શાહ બાળકને લઈ ક્રાઈમ બ્રાન્ચની મિસિંગ સેલમાં પહોંચ્યા હતા. પીઆઈ પી.જે. સોલંકીએ બાળકની પૂછપરછ કરી ત્યારે બાળકે પોતાનું નામ કુલદીપ ધર્મવીર કુર્મી જણાવ્યું હતું. પોતે બિહારના ઈટૌરાનો રહેવાસી હોવાની વિગત આપી હતી.
આ વિગતના આધારે પોલીસે બિહાર પોલીસનો સંપર્ક કરી બાળકના મિસિંગ, અપહરણની ફરિયાદ છે કે કેમ તે તપાસ કરાવી. પરંતુ ત્યાં કોઈ ફરિયાદ નહોતી. બાળકે આપેલા સરનામા અનુસાર બિહાર પોલીસને તે સરનામે તપાસ કરવા વિનંતી કરી હતી. તે સરનામા પર બાળકની દાદી મળી હતી. દાદીએ તેનો દીકરો કડોદરાના વરેલીમાં પરિવાર સાથે રહેવાનું કહ્યું હતું. આથી પોલીસે કડોદરા પોલીસમાં તપાસ કરાવી. ત્યાં પણ કોઈ ફરિયાદ નહોતી. દાદીએ આપેલા સરનામા મુજબ શોધખોળ કરતા કડોદરામાં બાળકનો પરિવાર મળી આવ્યો હતો. રાત્રિના 11 વાગ્યે પરિવાર મળ્યો હતો.
ચોંકાવનારી વાત એ છે કે અઢી મહિના બાદ મળેલા બાળકને તેના પિતા ઓળખી શક્યા નહોતા. બાળકે પોતાનું નામ કુલદીપ કહ્યું ત્યારે તે ઓળખી શક્યા હતા. કુલદીપ 31 ડિસેમ્બર 2023થી ગુમ હતો, પોતે શોધવાનો પ્રયાસ કર્યો. ન મળ્યો તો નસીબ પર છોડી દીધું. પોતે ગરીબ હોવાથી પોલીસ ફરિયાદ ન કરી હોવાની કેફિયત પિતાએ જણાવી હતી. આમ જે બાળકને પરિવાર શોધતો નહોતો તેવા કિસ્સામાં પીઆઇ પી જે સોલંકીની કર્તવ્ય નિષ્ઠા, માનવતા અને પિયુષકુમાર શાહના સહયોગથી અઢી મહિના થી ગુમ બાળક તેના પરિવારને મળી શક્યો હતો.
મામા મારતા હતા એટલે ભાગી ગયો
દરમિયાન બાળકે કહ્યું કે, તેના મામા મારતા હોવાથી તે ઘરેથી ભાગી ગયો હતો. તેણે દાદીના ઘરે બિહાર જવું હતું. તેણે માતા-પિતાના ઘરે જવું ન હોવાથી તેને કડોદરા વરેલી ખાતે પરિવાર રહેતો હોય તે બાબતે કંઈ પણ જણાવ્યું ન હતું અને સરનામું આપ્યું ન હતું. ઘરથી ભાગ્યા પછી તે ભિક્ષુક તરીકે જીવન વિતાવતો હતો અને પૈસા માંગી ટિકિટની વ્યવસ્થા થાય તેવું જ બિહાર દાદી પાસે જવાની તૈયારી કરી રહ્યો હતો.