સુરતઃ શહેરમાં એક યુવાન જિંદગીથી કંટાળી આપઘાત કરવા માટે ભાઠેનાં ઓવરબ્રિજ પર પહોંચ્યો હતો. જોકે આ યુવાન આપઘાત કરે તે પહેલા જ ત્યાંથી પસાર થતી પોલીસે યુવાનને બચાવી લીધો હતો, જેવો બ્રિજ પરથી આ યુવાન નીચે કૂદવા ગયો ત્યાં જ પોલીસે તેને પકડી અને ઉપર ખેંચી લીધો હતો.
સુરતના સલાબતપુરા વિસ્તારમાં પોલીસ જવાનો તેમજ શી ટીમની ઉમદા કામગીરી સામે આવી છે. સલાબતપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા ભાઠેનાં ઓવરબ્રિજ પર એક યુવાન આપઘાત કરવા માટે ચડી ગયો હતો આ ઘટનાની તાત્કાલિક પોલીસને જાણ થતા પોલીસ ની ટીમ તેમજ શી ટીમ ભાઠેના ઓવરબ્રિજ પહોંચી હતી અને પોલીસને જોઈ યુવક નીચે કુદવા ગયો હતો.
જોકે, પોલીસ જવાનોએ તાત્કાલિક સમય સૂચકતા દાખવી યુવાનને પકડી લીધો હતો જેથી યુવાન નીચે પટકાયો ન હતો અને પોલીસ જવાનોએ યુવકને ઉપર ખેંચી લીધો હતો. ત્યારબાદ આ યુવકનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું હતું કે આ યુવાન ખૂબ જ તણાવ સાથે જીવી રહ્યો હતો અને જીવનમાં ખૂબ જ પરેશાન રહેતો હતો જેથી જિંદગીથી કંટાળી આત્મહત્યા કરવા માટે પહોંચ્યો હતો.
જીવન રક્ષક બનીને આવેલી પોલીસે ખરા સમયે જ આ યુવાનનો જીવ બચાવી તેનું કાઉન્સિલિંગ કરી નવી જિંદગી બક્ષી હતી અને આ યુવાનને મોડી રાત્રે ઘરે પણ જવા દેવામાં આવ્યો હતો જ્યારે આ યુવાનને ઘરે મોકલવામાં આવ્યો ત્યારે આ યુવાનના મોં પર એક હાશકારાનો અનુભવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો હતો આમ જીવન રક્ષક બનીને આવેલી પોલીસે આ યુવાનને બચાવી ખરા અર્થ માં પોતાની સેવા સાબિત કરી બતાવી હતી.