સુરતઃ છેલ્લાં કેટલાંક સમયથી દેશભરમાં ડિજીટલ એરેસ્ટની ઘટનાઓ વધી છે. પોલીસ કે અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપીને મોબાઈલ ફોન પર ડિજીટલ એરેસ્ટ (Digital Arrest) કરી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યાં છે. આ આરોપીઓને પકડવા અત્યાર સુધી મુશ્કેલ બની રહ્યાં હતાં. કારણ કે તેઓની કોઈ ઓળખ નહોતી.
જોકે, પહેલીવાર રાજ્યમાં ડિજીટલ એરેસ્ટ કરનારા આરોપીઓના ચહેરા સામે આવ્યા છે. સુરત પોલીસે એક્સપર્ટ પાસે સ્કેચ (Sketch) બનાવડાવ્યા છે. ગુજરાતમાં (Gujarat) પ્રથમવાર ડિજીટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ (Surat Police) દ્વારા બે સ્કેચ જાહેર કરાયા છે.
સમગ્ર દેશમાં ડિજીટલ એરેસ્ટની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ઓનલાઈન (Online) આવતાં આ આરોપીઓના ચહેરા જાહેર કરવામાં પોલીસને સફળતા મળી છે. રાજ્યમાં સૌ પ્રથમવાર સુરત પોલીસે ભોગ બનનારની માહિતીના આધારે એક્સપર્ટ પાસે સ્કેચ બનાવવામાં સફળતા મેળવી છે. ચહેરા સામે આવતાં આરોપીઓની ધરપકડ કરવી આસાન બની શકે તેમ છે.
સુરત પોલીસ સ્કેચ સોશિયલ મીડિયામાં મુકશે
ડિજીટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓ ચિત્રણ કર્યું તે અનુસાર આ સ્કેમના બે માસ્ટર માઈન્ડ આરોપીઓના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્કેચ હવે પોલીસ સોશિયલ મીડિયા હેન્ડલ પર મુકશે, જેથી લોકો સ્કેચ જોઈ આરોપીઓને ઓળખી શકે અને ડિજીટલ એરેસ્ટનો શિકાર બનતા બચી શકે.
આરોપીઓ લાખો-કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે. ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે. બન્ને આરોપીઓના પુરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી. હવે માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે. આ સાથે જ આરોપીની વિગત કોઈ વ્યક્તિ પાસે હોય તો પોલીસને પણ આપી શકે.