સુરત : સુરતના (Surat) ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રે જીઈબીની (GEB) ચાલુ વીજલાઈન વાયરોની ચોરી કરતી ગેંગને (Gang) ક્રાઈમ બ્રાંચની ટીમે (Crime Branch team) ઝડપી પાડી હતી. આ ગેંગે જિલ્લામાં અલગ અલગ સ્થળે 50 જેટલી જગ્યાએ વાયરોની ચોરી કરી હતી. આ ગેંગને પકડી પાડી તેમની પાસેથી 4.79 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
ક્રાઈમ બ્રાંચની ટીમને છેલ્લા ઘણા સમયથી કામરેજ, પલસાણા, કીમ, માંડવી, બારડોલી વિસ્તારમાં વીજલાઈનના વાયરોની ચોરી કરતી ગેંગ સક્રીય હોવાની બાતમી મળી હતી. આ ગેંગ રાજસ્થાની હોવાની અને આજરોજ વીજકંપનીના ચોરી કરેલા તારને ટેમ્પોમાં ભરી વેચવા વાલક ખોલવડ રોડ પર આવવા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવીને ટેમ્પો અને ફોર વ્હિલરવાન આવતા તેને કોર્ડન કરી લીધી હતી. અને તેમાંથી આરોપીઓ ભંગારના વેપારી નારાયણ છીતરમલ કુમાવત, દેવીલાલ બંસીલાલ માલી, દિપક ફતેહલાલ શાહ અને ઉદય ભવરલાલ ગુર્જર ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા, એલ્યુમિનિયમના વાયરોના બંડલો અને 3 મોબાઈલ ફોન કબજે લેવાયા હતા.
આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, નારાયણ કુમાવત રાજસ્થાનના ભીલવાડાનો છે. પોતાની ગેંગના પપ્પુ, કનૈયાલાલ, હેમરાજ તેમજ અન્ય સાગરીતોને લઈ કામરેજ ખાતે રહેતો હતો. પોતાની લાલ કલરની સ્વીફ્ટ કાર લઈને બીજા આરોપીઓ સાથે મળી સુરત ગ્રામ્ય જિલ્લામાં કામરેજ, બારડોલી, પલસાણા, સેવણી, માંગરોલ, માંડવી જેવા અલગ-અલગ સીમ વિસ્તારમાં દિવસ દરમ્યાન રેકી કરતા હતા. અને રાત્રે ચાલુ વીજલાઈનના વાયરોની ચોરી કરી પોતાની પાસે રહેલા અશોક લેલન પીક-અપ ટેમ્પોમાં માલ ભરી મુકતા હતા. તેમજ દીપક જૈનને સસ્તા ભાવે વેચતો હતો. અત્યાર સુધીમાં આશરે સુરત ગ્રામ્ય જિલ્લામાં અલગ-અલગ 50 થી વધારે જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પલસાણા પોલીસ સ્ટેશનના બે, બારડોલી ગ્રામ્યના બે, કામરેજ પોલીસ સ્ટેશના 4, કોસંબા પોલીસ સ્ટેશનનો એક અને માંગરોળ પોલીસ સ્ટેશનનો એક ગુનો ઉકેલાયો હતો.
આરોપીઓ પાસેથી મળેલો મુદ્દામાલ
એલ્યુમિનિયન તાર કુલ વજન 1021.500 કીલો, અશોક લેલન પીક-અપ ટેમ્પો, ફોર-વ્હિલર વાન, રોકડા રૂપિયા 10,000, મોબાઈલ ફોન મળી કુલ 4,79,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આરોપી પપ્પુ ખરાડી સામે બગોદરા, ધોળકા, નળસરોવર, સાંતેજ, બાવલુ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ છે. દેવીલાલ બંસીલાલ માલીની સામે ઓલપાડ, સરથાણામાં અને નારાયણ કુમાવત સામે માંડવીમાં એક ગુનો દાખલ છે.
સવારે રેકી કરીને રાત્રે લાઈન ફોલ્ટ કરી બંધ કરી દેતા હતા
આરોપીઓ દિવસ દરમ્યાન જે જગ્યાએ વીજવાયરોની ચોરી કરવાની હોય તે જગ્યાની રેકી કરતા હતા. રાત્રિના સમયે પીક-અપ જેવા વાહનોમાં રેકી કરેલી જગ્યાએ જઇ દોરડું વાયરો ઉપર નાંખી બંન્ને વાયરોને ભેગા કરી ચાલુ વીજલાઇનને ફોલ્ટ કરી બંધ કરી દેતા હતા. જેના કારણે વીજવાયરોમાંથી વીજપ્રવાહ બંધ થઈ જતો હતો. અને આરોપીઓ થાંભલા ઉપર ચઢી મોટી કાતરોના હાથા ઉપર પી.વી.સી. પાઇપ ભરાવી કાતરો વડે વીજવાયરો કાપી નાંખતા હતા. અને કાપેલા એલ્યુમિનિયમના વીજવાયરોને પીક-અપ ડાલા જેવા વાહનોમાં ભરી રાત્રીના સમયે જ વેચી નાંખતા હતા.