સુરત: સુરતના (Surat) પો.કમિ. તોમર દ્વારા હાલમાં બ્રાંચ (Branch) અને પોલીસ સ્ટેશનો (Police Station) સામે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. છતાં કેટલાક વિવાદી અધિકારીઓ હજુ સુધરવાનું નામ લેતા નથી. શાહપોરમાં એક બ્રાંચની દારૂની (Alcohol) રેઈડ દરમિયાન એવું કહેવાય છે કે બૂટલેગરને ત્યાંથી દારૂની બાટલીઓ (Bottle) તો મળી આવી પરંતુ સાથે સાથે તિજોરીમાંથી બે લાખ રૂપિયા પણ મળી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતી વખતે પોલીસ કોન્સ્ટેબલોને મળી આવેલા આ બે લાખ રૂપિયા ઘરમાલિકને કીધા વિના જ બારોબાર ઉંચકી લેવામાં આવ્યા હતા.
આ અંગે બુટલેગર દ્વારા તપાસ કરવામાં આવતા અને તે અંગે પોલીસ કોન્સ્ટેબલો પર આક્ષેપો થયા હતા. જે તે દિવસે બુટલેગર દ્વારા પોલીસની ધાકથી કશું બોલવામાં આવ્યું નહોતું પરંતુ બુટલેગરના સાથીઓ દ્વારા આ મુદ્દે ગણગણાટ કરવામાં આવતાં બ્રાંચના અધિકારીઓ દ્વારા આ બે લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. આ અંગે પો.કમિ. કમિ અજય તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મામલો જો સાચો હશે તો તેઓ આકરી કાર્યવાહી કરશે. કમિ અજય તોમર દ્વારા આ મામલે ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે.
70 હજારની સામે 1 લાખ ચૂકવ્યા છતાં નાણાં માટે યુવકને મારી નાંખવાની ધમકી
સુરત : 70 હજારની સામે 1.03 લાખ લઇ લીધા બાદ પણ યુવક પાસેથી વધુ વ્યાજ વસૂલવા તેમજ પ્રોમેસરી નોટ ઉપર બળજબરીથી સહી કરાવીને સમાધાન કરવા માટે ધમકી આપનાર બે યુવકોની સામે ગુનો નોંધાયો છે. બંનેએ 70 હજારની સામે બીજા પાંચ લાખની માંગણી કરીને ધમકી આપી હોવાનું પણ બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ ટેકરા ફળિયામાં હિત પેલેસમાં રહેતા નંદલાલ છગનભાઇ સુરાણી વરાછામાં આવેલી જીવરાજ ચાની દુકાનમાં નોકરી કરે છે. બે વર્ષ પહેલા તે કતારગામમાં સલૂનની દુકાનમાં કામ કરતો હતો. ત્યારે તેને કતારગામના બળવંતનગરમાં રહેતા ગોકુળ રામજીભાઇ ગમારાની પાસેથી રૂા. 70 હજાર વ્યાજે લીધા હતા. ગોકુળ દર મહિને 20 ટકા લેખે રૂા.14800 વ્યાજ વસૂલતા હતા. નંદલાલે સાત મહિના સુધી અંદાજીત રૂા.1.03 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ લોકડાઉનમાં સલૂનની દુકાન બંધ થઇ ગઇ હતી અને નંદલાલ વ્યાજ આપી શક્યા ન હતા. ત્યારે આ ગોકુળના સંબંધી યોગીનગરમાં રહેતા દિપક લક્ષ્મણભાઇ ગમારાએ નંદલાલની પાસે બળજબરીથી પ્રોમેસરી નોટમાં સહી કરાવી લીધી હતી. તેઓએ નંદલાલને ધમકી આપી હતી કે, ગોકુળની સાથે સમાધાન કરી, લે નહીંતર જોવા જેવી થશે. આ બાબતે નંદલાલએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.