SURAT

સુરતના આ વિસ્તારમાં પોલીસની રેઈડ: આખેઆખા મકાનમાંથી મળ્યો દારૂ જ દારૂ

સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં નારાયણનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં દારૂ (Alcohol) મુકવા માટેનું ગોડાઉન બનાવી દેવાયું હતું. પોલીસે રેઈડ (Police Raid) કરીને ટેમ્પો અંદર લઈ દારૂ ખાલી કરતા દંપત્તિ સહિત ચારને ઝડપી પાડ્યા હતા. ગોડાદરા પોલીસે 3.35 લાખનો દારૂ, રોકડા 2 લાખ, ટેમ્પો, બે મોપેડ સહિત કુલ 11.26 લાખનો મુદ્દામાલ કબજે કરી બે ને વોન્ટેડ જાહેર કર્યા છે.

  • ગોડાદરામાં નારાયણનગર સોસાયટીના મકાનને દારૂ મુકવા માટેનું ગોડાઉન બનાવી દેવાયું
  • ટેમ્પો ગોડાઉનમાં લઈ દારૂ ખાલી કરતા દંપત્તિ સહિત ચાર ઝડપાયા, 11.26 લાખનો મુદ્દામાલ કબજે

ગોડાદરા પોલીસને નારાયણનગર સોસાયટીમાં ઘર નં.20/એ માં મકાનમાં એક ગોડાઉન બનાવવામાં આવ્યું હોવાની તથા તેમાં દારૂ મુકવામાં આવતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ગઈકાલે સાંજે રેઈડ કરતા ગોડાઉનનો દરવાજો ખોલી પોલીસે અંદર તપાસ કરી તો ત્યાં ટેમ્પો (નં.જીજે-15-એટી-6993) માંથી ત્રણ પુરુષ અને એક મહિલા દારૂના બોક્સ ખાલી કરતા હતા. પોલીસે સ્થળ પરથી રાકેશકુમાર ઠાકોરદાસ પાસવાલા (ઉ.વ.49) તેની પત્ની ફાલ્ગુનીબેન (ઉ.વ.46) (બંને રહે.112, શામળાધામ સોસાયટી, દેવધ ગામ રોડ, ગોડાદરા) તથા પ્રમોદ રામભાઈ ધોબી (ઉ.વ.29, રહે.અંબા માતાના મંદિરની પાછળ, સેલસુંબા ગામ, વલસાડ. મૂળ રહે.ઉત્તરપ્રદેશ ) અને સંતોષ કવિલાલ તિવારી (ઉ.વ.28, રહે.પાવર હાઉસ, ગોકુળ સાયકલ પાછળ, ઉમરગામ, વલસાડ) ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે કુલ 3.35 લાખનો દારૂ, ફાલ્ગુનીબેનનું એક મોપેડ અને એક ઇલેક્ટ્રિક મોપેડ, ફાલ્ગુનીબેન પાસેથી મંગાવેલા દારૂના પેમેન્ટના રોકડા રૂ.2 લાખ, ટેમ્પો, પાંચ મોબાઈલ ફોન મળી કુલ 11.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને દારૂ મોકલનાર મનોજ પટેલ (રહે.આલાફ્રાઇડસ બિલ્ડીંગ, ગાંધીવાડી પાસે, ઉમરગામ, વલસાડ) અને કનૈયાલાલ ભાઈદાસ સાલુંકે (રહે.ઈ-107, સુખસાગર સોસાયટી, સ્વપ્નલોક ફાટક પાસે, ઉમરગામ, વલસાડ) ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Most Popular

To Top