સુરત: ફ્રોડ પત્રકારો બાદ યુ ટયૂબના નામે માઇક લઇને સરકારી અધિકારીઓ તેમજ સામાન્ય લોકોને રંજાડનારા યુ ટયૂબરોને પણ હવે જેલભેગા કરવાની કામગીરી કરવામાં આવશે. 300 જેટલા યુ ટયુબરો જેઓ બ્લેકમેલ કરે છે, તે તમામ લોકોને શોધી શોધીને હવે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે.
- યુ ટ્યૂબના નામે માઈક લઈને અધિકારીઓ, સામાન્ય લોકોને રંજાડતા ખંડણીખોરો પોલીસના રડારમાં
આ મામલે ડીસીપી નકૂમે જણાવ્યું કે પોલીસે આ મામલે એક યાદી તૈયાર કરી છે, કામગીરી આગામી દિવસોમાં શરૂ કરાશે.
45 દિવસમાં 59 FIR દાખલ, 31થી વધુ આરોપીની ધરપકડ
સૂચનાના આધારે તમામ એવા પોલીસ સ્ટેશનોમાંથી ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યાં સૌથી વધુ RTI કરી લોકો પાસેથી તોડ કરવામાં આવી રહ્યો હતો. પોલીસની કાર્યવાહી શરૂ થતાં, જે લોકો આ RTI એક્ટિવિસ્ટોથી ગભરાઈ ગયા હતા, તેઓ પણ સામે આવ્યા અને એક પછી એક ફરિયાદો નોંધાવા લાગી. સુરત પોલીસે 45 દિવસમાં 59 જેટલી ફરિયાદો દાખલ કરી છે અને 31 કરતાં વધુ આરોપીઓની ધરપકડ પણ કરી છે.
લોકો કોઈપણ ભય વિના પોલીસ પાસે આવે ને ખંડણીખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવે
આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, ગેરકાયદે બાંધકામના નામે કેટલાક કથિત RTI એક્ટિવિસ્ટો, લોકો પાસેથી ખંડણી માંગતા હતા અને પૈસા પડાવતા હતા. આવા ખંડણીખોરો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 59 જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને ચાર લોકોને પાસા હેઠળ ધકેલાયા છે. અમે લોકોને અપીલ કરીશું કે, તેઓ કોઈપણ ભય વગર પોલીસ પાસે આવે અને આવા ખંડણીખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવે.
