સુરત: સુરત (Surat) પોલીસનો (Police) રંગબાજીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અગાઉ સુરત પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા એક પીઆઇ (PI) સામે ભરૂચમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. ત્યાં હાલમાં જ થોડા સમય પહેલાં ઉધના વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સૌરાષ્ટ્રની મહિલાના એકતરફી પ્રેમમાં ભાન ભૂલ્યા છે. આ પીઆઇની સામે સુરત પોલીસમાં ફરિયાદ થતાં એસીપી જે.ટી.સોનારાએ તપાસ કરી તમામ રિપોર્ટ પોલીસ કમિશનરને સુપરત કર્યા હોવાની વિગતો મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉધના પોલીસમથક જેવા હેવી પોલીસમથકમાં ફરજ બજાવનાર પીઆઇને સુરેન્દ્રનગર પંથકની એક મહિલાની સાથે એકતરફી પ્રેમ થયો હતો. પીઆઇની મહિલા સાથે પ્રથમવારની અનાયાસે મુલાકાતમાં જ તેઓ મહિલા તરફ આકર્ષાયા હતા. પીઆઇએ મહિલાની સાથે પરિચય કેળવવા માટે કુનેહથી તેણીનો મોબાઇલ નંબર મેળવી લીધા બાદ તેની સાથે સંપર્ક વધારવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં પીઆઇએ મહિલાને વારંવાર મેસેજીસ અને ફોન કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ બેડામાં ચર્ચાતી ચર્ચા મુજબ પીઆઇએ ઇન્ટરનેટ કોલિંગ અને વિશેષ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો, આ ઉપરાંત સત્તાનો દુરુપયોગ કરી મહિલા કોની સાથે કેટલી વાત કરતી હતી તે વિગતો મંગાવી હતી.
ત્યારબાદ મહિલા જે-જે વ્યક્તિ સાથે વધારે વાત કરતી હતી તે લોકોને ફોન કરીને પોલીસનો દમ મારવા માંડ્યો હતો. એકતરફી પ્રેમમાં પાગલ પીઆઇની રોમિયોગીરીના કાંડ બહાર આવતાની સાથે જ સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો ફેલાઇ ગયો હતો. પરિણીતા, તેના પરિવાર અને પારિવારિક મિત્રોને વારંવાર હેરાન કરવામાં આવતાં આ મહિલાએ સુરત પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પીઆઇની કામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. આ વાતને ગંભીરતાથી લઇને પોલીસ કમિશનર દ્વારા પીઆઇની ટ્રાન્સફર કરી અન્ય પોલીસનો હવાલો સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ પીઆઇ સામે થયેલા આક્ષેપોને લઇને એસીપી જે.ટી.સોનારાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને તેનો વિગતવાર અહેવાલ પોલીસ કમિશનરને આપ્યો હોવાની વિગતો મળી છે. આ મામલે પોલીસ કમિશનર દ્વારા શું પગલાં લેવાઇ છે તેની ઉપર સમગ્ર પોલીસ બેડાની મીટ મંડાઇ છે.
હું આ બાબતે કોઈ માહિતી આપી શકું નહીં : એસીપી જે.ટી.સોનારા
પીઆઇ સામે થયેલા આક્ષેપો અંગે તપાસ કરનાર એસીપી જે.ટી.સોનારાનો સંપર્ક કરવામાં આવતાં તેઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે હું કોઇ માહિતી આપી શકું તેમ નથી. આ સમગ્ર પ્રકરણની તપાસ કરી તેનો રિપોર્ટ પોલીસ કમિશનર સાહેબને આપી દીધો છે. આક્ષેપો થયા હોવાની વાતને તેમણે સમર્થન આપ્યું હતું.