સુરત: જહાંગીરપુરા ખાતે રહેતા વકીલની પત્નીએ (Wife) ફ્લીપકાર્ડ, એમેઝોન, ઈબાય શોપ, એસ.બી.આઈ., ફોન પેમાંથી ઓનલાઈન ઓર્ડર (Online Order) આપતાં 50 ટકા કિંમત પરત મળશે તેવી લાલચ આપી 1.88 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી. જહાંગીરપુરા ખાતે કૈલાસધામ સોસાયટીમાં રહેતા સ્નેહલ પટેલ વ્યવસાયે વકીલ છે. તેમની પત્ની ઝીનલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ગત 29 જૂને અજાણ્યા નંબર પરથી પાર્ટ ટાઈમ જોબ માટેની વેબ સાઈટની લિંક સાથે રજિસ્ટર કરવા માટેનો મેસેજ આવ્યો હતો. અજાણ્યા નંબર પર વોટ્સએપ મેસેજ કરતાં તેને ટેલીગ્રામ મેસેન્જર પર સંપર્ક કરવાનું કહ્યું હતું.
અજાણ્યાએ પોતે ફ્લીપકાર્ડ, એમેઝોન, ઈબાય શોપ, એસ.બી.આઈ., ફોન પે સાથે ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. આ કંપનીઓની સેલિંગ વધારવાની કામગીરી કરે છે તેમ કહી આ કંપનીઓમાંથી ઓનલાઈન ઓર્ડર આપશો તો તમને પ્રોડક્ટની કિંમતના 50 ટકા ઉમેરી પેમેન્ટ પરત આપવામાં આવશે તેવી લોભામણી લાલચ આપી હતી. જેથી ઝીનલે પોતાના તથા પોતાની સાસુના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી આરોપીને ગ્રેવિટી તથા અભિનંદન ઈન્ડિયા એન્ટરપ્રાઈઝમાં નાણાં ઓનલાઈન પેમેન્ટ કરી કુલ 1.88 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ નાણાં પરત માંગતાં નહીં આપી છેતરપિંડી કરી હતી. જહાંગીરપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
ડિંડોલીમાં ટ્રાવેલરના ઘરમાંથી રૂા.4.06 લાખના દાગીના અને રોકડની ચોરી
સુરત : ડિંડોલીમાં ઇકો ગાડી ભાડે આપતા યુવકના ઘરમાંથી રૂા.4.06 લાખના દાગીનાની ચોરી થઇ હતી. જેને લઇને પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીના શિવહીરાનગરની બાજુમાં જલારામ નગરમાં રહેતા સંદિપ બાપુ બહીરામ મોરે ટેમ્પો ભાડે ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે. આ ઉપરાંત સંદિપભાઇ એક વીસી ચલાવે છે જેમાં દર મહિને 30 મેમ્બરના મળીને રૂા.1.50 લાખ જમા થાય છે, જેના નાણા અલગ અલગ સ્ટીલના ડબ્બામાં મુકેલા હતા. આ ઉપરાંત સંદિપભાઇને બાજુમાં જ રહેતા ઉષાબેન નામની મહિલાએ આપેલી ચેઇન પાકીટમાં મુકી રાખી હતી.
બે દિવસ પહેલા તેઓને રાત્રીના સમયે એક ઇકો ગાડી ભાડેથી લઇ જવાનો ફોન આવતા તેઓ રાત્રે ચાલ્યા ગયા હતા. સંદિપભાઇના ઘરે દશામાની મૂર્તિ સ્થાપિત કરી હોવાથી તેઓએ લોખંડનો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો. રાત્રે ગાડી આપીને તેઓ ઘરે આવી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે તેઓ અન્ય એક ઇકો ગાડીમાં પંચર કરાવવા માટે ગયા ત્યારે તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, ઘરમાંથી રોકડ તેમજ દાગીના મળીને રૂા.4.06 લાખની ચોરી થઇ છે. જે બાબતે સંદિપભાઇએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.