સુરત: (Surat) લિંબાયતમાં થયેલી હત્યાના કેસમાં પોલીસનાં વિરોધાભાસી નિવેદનનો સીધો જ લાભ આરોપીને (Accused) થયો હતો. ફરિયાદમાં તલવાર અને ચાર્જશીટમાં (Chargesheet) છરાનો ઉલ્લેખ કરનાર લિંબાયત પોલીસ (Police) બેકફૂટ ઉપર આવી હતી. હત્યાના આ કેસમાં કોર્ટે આરોપીને જામીનમુક્ત કરતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ તા.૧૬-૫-૨૦૧૮ના રોજ અમીન ઉર્ફે અન્નુ અબ્દુલ ગફારે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગત તા.૧૫-૫-૨૦૧૮ના રોજ રાત્રિના સમયે ફરિયાદી અમીન તેમના ઓળખીતા સદામ તથા ગુફરાન સાથે મહોલ્લામાં ઊભા રહીને વાતચીત કરી રહ્યા હતા. ત્યારે અદાવતમાં રાત્રિના પોણા બાર વાગ્યે સમીર ઉર્ફે ડુમ્મર તસ્લીમ શા, ફતુ શા, મોમ્મા ઉર્ફે મહમદ હુસેન સહિતના આરોપીઓએ તલવાર, હોકી તથા સ્ટમ્પ વડે માર માર્યો હતો. જેમાં લિંબાયતમાં 14 લોકોની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.
આ કેસમાં પોલીસે નાઝીમ ઇસ્માઇલ શા નામના યુવકની પણ ધરપકડ કરી હતી. જામીનમુક્ત થવા માટે નાઝીમે વકીલ પ્રકાશ મોરી મારફતે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં દલીલો કરાઇ હતી કે, પોલીસે ફરિયાદમાં તલવારનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે ચાર્જશીટમાં નાઝીમની પાસે છરો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કયા હથિયાર વડે હત્યા થઇ તે અંગે પોલીસ જ ચોખ્ખી ન હોવાની દલીલો કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ આરોપી નાઝીમને જામીનમુક્ત કરતો હુકમ કર્યો હતો.
ભીમ અગિયારસે પોલીસે શહેરમાંથી 250થી વધુ જુગારીઓને પકડ્યા
સુરત : ભીમ અગિયારસના દિવસે જુગાર રમનારાઓ પર પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે કુલ્લે 30થી વધુ સ્થળો ઉપર રેડ પાડી હતી અને 250થી વધુ લોકોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. આ ઉપરાંત પોલીસે 20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના દિવસે જુગાર રમવાની પ્રથા છે. આ પ્રથા હવે સુરતમાં પણ શરૂ થઇ છે. ત્યારે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રીયન લોકોએ ભીમ અગિયારસના દિવસે લાખો રૂપિયાનો જુગાર રમ્યો હતો. પરંતુ તેઓના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. પોલીસે કુલ્લે 30થી વધુ જગ્યા ઉપર રેડ પાડી હતી અને 250થી વધુ જુગારીઓને પકડીપાડ્યા હતા. અમરોલી પોલીસે 42 જુગારી, સિંગણપોર પોલીસે 8, ચોકબજાર પોલીસે 29, કતારગામ પોલીસે 16, પુણા પોલીસે 7, ગોડાદરા પોલીસે 21, સરથાણા પોલીસે 68, કાપોદ્રા પોલીસે 22 અને વરાછાપોલીસે 35 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આ તમામ જુગારીઓને પાસેથી 20 લાખથી પણ વધુની રોકડ કબજે કરી હતી અને તમામને જેલના સળિયા ગણાવ્યા હતા. એક દિવસ પહેલા પણ પોલીસે 150 જેટલા જુગારીઓને પકડી પાડ્યા હતા.