SURAT

VIDEO: સ્ટ્રીટ ફૂડ હેલ્ધી છે કે નહીં?, સુરત પોલીસ-પાલિકાએ લારી ફૂડની ક્વોલિટીનું ચેકિંગ શરૂ કર્યું

સુરત: સુરતીઓ ખાવાના શોખીન છે. ખાસ કરીને રસ્તા કિનારે ઉભી રહેતી લારીઓ પર ચટાકેદાર નાસ્તા કરવામાં સુરતીઓને મજા પડે છે. સવારે ખમણ, લોચો, આલુપુરી અને સાંજે છોલે-ભટૂરે, વડાપાઉં, પાઉંભાજી, ઈંડા, આલુ પરાઠા આરોગવા માટે સુરતીઓ પડાપડી કરી મુકે છે, પરંતુ શું આ રસ્તા પર મળતું સ્ટ્રીટ ફૂડ હેલ્ધી છે? શું તે ખાવાલાયક હોય છે. આ ફૂડ આરોગ્ય પ્રદ છે કે નહીં તે ચકાસવા માટે સુરત મહાનગર પાલિકાએ અભિયાન શરૂ કર્યું છે.

  • સુરત પોલીસ અને સુરત મનપાનું અનોખું અભિયાન
  • શહેરમાં 129 સ્થળોએ ફૂડ ક્વોલિટી ચેક કરવાનું શરૂ કર્યું
  • રસ્તા પર નાસ્તાની લારીઓમાં ફૂડ ચેકિંગ હાથ ધરાયું
  • પોલીસને સાથે રાખી એસએમસીએ શરૂ કરી કાર્યવાહી
  • એકસાથે સમગ્ર શહેરમાં ઝુંબેશ શરૂ કરાઈ

સુરત શહેર હવે બદલાઈ રહ્યું છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતાં સુરતીઓને જોઈને સુખદ આશ્ચર્ય થાય છે, તે જ રીતે સુરતીઓ હવે ફૂડ અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા માટે પણ તૈયાર છે. ત્યારે તંત્ર પણ હવે બધા નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને શહેરીજનોની હેલ્થ સારી રહે તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.

મોટી હોટલ અને રેસ્ટોરન્ટમાં તો સુરત મહાનગર પાલિકા અવારનવાર ફૂડ ચેકિંગ હાથ ધરતી હોય છે. થોડા દિવસ પહેલાં જ પનીર, ઘી, બટર બિનઆરોગ્ય પ્રદ મળી આવ્યા હતા. જોકે, હવે આ પનીર, બટર જ્યાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા હોવાની આશંકા છે તે લારીઓ પર પણ સુરત મનપાની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમે ચેકિંગ શરૂ કર્યું છે.

સુરત પાલિકાના આરોગ્ય વિભાગે સુરત પોલીસના સહયોગથી સ્ટ્રીટ ફૂડ ક્વોલિટી ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. શહેરના 129 સ્થળો પર ફૂડ ક્વોલિટી ચેક કરવામાં આવી છે. રસ્તા કિનારે ફૂટપાથ પર લારીઓ પર વેચાતા ફૂડનું ચેકિંગ પાલિકાના અધિકારીઓએ શરૂ કર્યું છે. ફૂડના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જે તે લારીવાળા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આરોગ્યપ્રદ નાસ્તા વેચવા માટે લારીવાળાઓને સમજાવવામાં પણ આવી રહ્યાં છે.

સુરત પાલિકાના અધિકારીઓએ કહ્યું કે, સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરના 129 જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસ્તા પરની જે નાસ્તાની લારીઓ હોય છે એની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રસ્તા ઉપરની જે નાસ્તાની લારીઓ છે ત્યાં ફૂડ ક્વોલિટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

પ્રથમ વખત આ સંયુક્ત અને સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આ ફૂડની ક્વોલિટીને લઈને આ સૌથી અગત્યની મુદ્દો બની રહેશે, જે લારીઓ ઉપર નાસ્તો કે ખોરાક વહેંચાય છે એની ક્વોલિટી કેવી છે એ અંગેની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે. જો સેમ્પલિંગમાં ફેલ જશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top