SURAT

મુંબઈના હીરા વેપારી અને સુરતના વેપારી વચ્ચેની માથાકૂટમાં શહેરના આ વિસ્તારની પોલીસે 70 લાખની સોપારી ફોડી!

સુરત: (Surat) સુરત શહેર પોલીસ કેટલી બેફામ છે તેનાથી ખુદ પોલીસ કમિશનર અજય તોમર પણ ચોંકી ગયા છે. આ મામલે જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે મુંબઇમાં (Mumbai) હીરાના ધંધામાં સ્થાનિક વેપારીને કોઇ વિવાદ થયો હતો. હવે આ વેપારી (Traders) સુરતના કતારગામ ખાતે રહેતો હતો. જેને કારણે મુંબઇના વેપારીએ સ્થાનિક પોલીસ (Police) અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. તેમાં પૂણા પીઆઇએ બારોબાર આ વેપારીને ઉંચકીને જે લાખ્ખો રૂપિયાની રકમ બાકી હતી તે વસૂલીને મુંબઇના વેપારી સાથે સીધી ડીલ કરી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

  • પૂણા પોલીસે સુરતના વેપારીને બારોબાર ઉંચકી લઈ મામલો સેટલ કરી લેતાં ડીજીને ફરિયાદ કરાઈ
  • આખા મામલામાં પો.કમિ. અજય તોમર દ્વારા એસીપી વસાવાને તપાસ સોંપવામાં આવી

આ વિવાદ અંદાજે સીતેર લાખનો હોવાની ચર્ચા છે. આ વેપારી દ્વારા ગાંધીનગર સીધી ફરિયાદ કરવામાં આવતા આ મામલો પો.કમિ. અજય તોમર સુધી પહોંચ્યો છે. પો.કમિ. તોમરે આ મામલે એસીપી વસાવાને તપાસ સોંપી છે. પૂણા પોલીસ દ્વારા આ મામલે માત્ર 41 (1)(ડી)નો જ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો જયારે કતારગામ પોલીસમાં જવો જોઇતો હતો તે પૂણા પીઆઇ દ્વારા બારોબાર સીધો ધંધો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ છે. તેમાં પૂણા પીઆઇ અને પીએસઆઇ પૈકી પીએસઆઇનો જવાબ એસીપી વસાવા દ્વારા લેવામાં આવ્યો છે. આ મામલે મોટા માથાનું નામ સંડોવાયેલું હોવાની વિગત જાણવા મળી છે. એસીપી વસાવાએ જણાવ્યું હતું કે, આ મામલે તેઓને ડીસીપી દ્વારા તપાસ સોંપાઇ છે. તેની વિગતો આવતાની સાથે જ તેઓ દ્વારા તપાસ કરવામાં આવશે.

Most Popular

To Top