સુરત : લિંબાયતમાં રહેતા અને મની ટ્રાન્સફરનું કામ કરતા વેપારીને બે યુવકોએ શેરબજારની અલગ અલગ બે સ્કીમો આપી માત્ર 15 દિવસમાં જ 21 ટકા પ્રોફિટ થશે તેવી લાલચ આપીને રૂા. 68.70 લાખની ઠગાઇ કરી હતી. આ વેપારી સહિત કુલ્લે સાત વ્યક્તિઓના રૂપિયા ફસાઇ જતા લિંબાયત પોલીસે બે ઠગાઇ કરનાર બે યુવકોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત મદીના મસ્જીદની પાસે શાસ્ત્રીચોક ગલી નં-૧ માં રહેતા સમીરશાહ બાબુશાહ ફકીર (ઉ.વ.૨૬) શાસ્ત્રીચોકમાં જ સીમનાની મની ટ્રાન્સફરના નામને દુકાન ધરાવે છે. નવ મહિના પહેલા તેમની મુલાકાત અબ્દુલ કાફીર ગફ્ફારની સાથે થઇ હતી.
અબ્દુલ કાદીર રૂપિયા ટ્રાન્સફર કરાવવા આવતો હોવાથી તેની સાથે સારો એવો પરિચય થયો હતો. આ દરમિયાન તકનો લાભ લઇને અબ્દુલે સમીરભાઇને કહ્યું કે, હું શેરબજારનું કામ કરું છું, મારી ઓફિસ મજૂરાગેટ આઇટીસી બિલ્ડીંગમાં આવી છે, મારી પાસે એક સ્કીમ છે જેમાં 1 લાખના રોકાણની સામે દર મહિને તમને રૂા.5700નો નફો થશે અને તમારા રૂપિયા પણ સુરક્ષિત રહેશે. સમીરભાઇએ ઓફિસમાં જઇને તપાસ કરી ત્યારે ત્યાં અબ્દુલની પત્ની મુસ્કાન અને શેરબજારમાં પાર્ટનર એવા મોહંમદ સુફીયાન જુનેદ નબીવાલા સાથે કરાવી હતી. સમીરભાઇને વિશ્વાસ આવતા તેઓએ લિંબાયતમાં અબ્દુલના ઘરે જઇને રૂા.1 લાખ આપ્યા હતા. તેનો સમયસર નફો મળી જતા અબ્દુલ અને મોહંમદ સુફીયાને બીજી સ્કીમ આપી હતી. જેમાં રૂા.14 લાખના રોકાણની સામે 15 દિવસમાં જ 21 ટકા લેખે 3 લાખ નફો થશે તેવી વાત કરી હતી.
શરૂઆતમાં સારો નફો મળતા સમીરભાઇએ પોતાના રૂા.26.40 લાખ તેમજ બીજા સાત મિત્રોના 42.30 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્રણથી ચાર મહિના છતાં પણ નફો નહીં આવતા સમીરભાઇએ પોતાના રૂપિયાની ઉઘરાણી કરી હતી. તે દરમિયાન અબ્દુલ અને તેનો મિત્ર મોહમદ સુફીયાને રૂપિયા પરત આપી દેવાના વાયદાઓ કરીને રૂપિયા ચૂકવ્યા ન હતા. ચાર મહિનાની ઉઘરાણી બાદ 68 લાખની સામે બંનેએ માત્ર 1 લાખ જ નફો પરત આપ્યા હતો અને બાકીના પૈસા પાછા આપ્યા ન હતા. જેને લઇને સમીરભાઇએ લિંબાયત પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.