સુરત: ઓલપાડના તેના ગામમાં પ્રેમલગ્ન (Love Marriage) કરનારી પુત્રીના પિયરિયા જમાઈની આંખમાં મરચાની ભૂકી નાંખી વાનમાં અપહરણ (Kidnap) કરી ગયા હતા. આ બનાવમાં છોકરા પક્ષના સંબંધીઓએ અપહ્યત વહુને છોડાવવા માટે વાનનો પીછો કર્યો હતો, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આ મામલો અંતે ઓલપાડ પોલીસમથકે (Police Station) પહોંચ્યો હતો. જેમાં સાત જણા સામે ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ઓલપાડ કાંઠા વિસ્તારમાં આવેલા તેના ગામના નિશાળ ફળિયાના નવાપરામાં રહેતો અમિત હિતેશ પટેલ ધો.10 સુધીનો અભ્યાસ કર્યા બાદ ડ્રાઇવિંગ અને ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેને તેના જ ગામના તેનેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતી અને એમ કોમનો અભ્યાસ કરતી રેણુકા વિજય પટેલ સાથે આંખ મળી ગઈ હતી. જો કે, આ બંનેના પ્રેમ સંબંધનો છોકરી પક્ષના પરિવારને સખત વિરોધ હતો. દરમિયાન ગત ઓક્ટોબર મહિનામાં બંને જણા ભાગી ગયાં હતાં અને તા.11-10-2021ના રોજ અમિત અને રેણુકાએ કોર્ટ મેરેજ કરી લીધાં હતાં. દરમિયાન બંને જણા ઓલપાડ ખાતે રહેતાં હતાં અને હાઇકોર્ટમાં રેણુકાએ હાઇકોર્ટમાં પોલીસ રક્ષણની અરજી કર્યા બાદ ગત તા.29 જુલાઈએ પોલીસ પ્રોટેક્શન સાથે અમિત અને રેણુકા તેના ગામે રહેવા આવી ગયાં હતાં.
આ ઘટનાથી પિયરિયા પક્ષના સભ્યો વધુ રઘવાયા બની ગયા હતા. દરમિયાન ગુરુવારે સવારે અમિતના પિતા હિતેશભાઈ અને માતા ચંપાબેન ખેતરે ગયાં હતાં, ત્યારે 10-45 વાગ્યાની આસપાસ રેણુકાના પિતા વિજય ધનસુખ પટેલ, માતા ગીતાબેન, રેણુકાનો ભાઈ અંકુર અને રાધા પ્રકાશ પટેલ, માસી પારુલ મહેશ રામુ પટેલ, હરીશ મગન પટેલ તથા મોપેડ ઉપર આવેલી એક અજાણી સ્ત્રી ઘરે ધસી આવ્યાં હતાં અને અમિતને ગાળો આપી જાનથી માર નાંખવાની ધમકી આપી હતી. એ સાથે જ અમિત કંઈ સમજે એ પહેલાં તેની આંખમાં મરચાંની ભૂકી નાંખી દીધી હતી. બાદ મોપેડ પર આવેલી એક મહિલા રેણુકાને મોપેડ પર વચ્ચે બેસાડી પિતા વિજયભાઈ સાથે ત્યાંથી લઈને રવાના થઈ ગયા હતા. અને એ પછી અડધો કિલોમીટર દૂર ઊભેલી હિતેશ પરેશ પટેલની વાનમાં ડ્રાઇવર હરીશ મગન પટેલ સહિત પરિવારજનો અપહરણ કરી ગયા હતા. આ ઘટના બાદ ઘરમાં હાજર અમિતના ભાઈ અશ્વિને આસપાસના લોકોને બોલાવ્યા હતા અને આજુબાજુના રહીશો ભેગા થઈ જતા વાનનો પીછો કર્યો હતો, પરંતુ અપહરણકર્તા મલગામા તરફ ભાગી ગયાં હતાં. આ ઘટનામાં ભોગ બનેલા પરિવારે ઓલપાડ પોલીસમથકમાં સાત જણા સામે અપહરણની ફરિયાદ આપી હતી.
દવાખાને જવાના બહાને માલિક પાસે વાન માંગી હતી
રેણુકાના પિયરિયા પોલીસ પ્રોટેક્શન હટે એની જ રાહ જોતા હોય એવું લાગી રહ્યું હતું. લોકમુખે ચર્ચા મુજબ ગુરુવારે સવારે બનેલી આ ઘટનામાં હિતેશ પરેશ પટેલની વાનનો ઉપયોગ થયો હતો. દવાખાને જવાનું કહી હિતેશભાઈ પાસે વાન માંગવામાં આવી હતી અને હરીશ પટેલને ડ્રાઈવર તરીકે લઈ ગયા હતા.