સુરત: (Surat) મહિધરપુરામાં રૂા. 1.63 કરોડની લૂંટ (Loot) પ્રકરણમાં વેપારીની સાથે સિક્યોરીટી માટે આવનાર વ્યક્તિએ જ લૂંટ માટેની ટીપ આપી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી. પોલીસે (Police) યુવક ઉપર શંકા રાખીને તેની પુછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછામાં રહેતા શરદભાઇ લક્ષ્મણભાઇ સોલંકર સોનાનો વેપાર કરે છે. તેઓને અમરેલીના વેપારી દિલીપભાઇએ 4.8 કિલો સોનુ વેચવા માટે આપ્યું હતું. શરદભાઇએ દિલીપભાઇના ઓળખીતા અને એમ ટુ એમ કાપડની દુકાન ધરાવતા નિલેશભાઇની પાસેથી સોનું લઇને મહિધરપુરાની કંસાર શેરીમાં વેચવા માટે ગયા હતા. શરદભાઇની સાથે નિલેશભાઇની દુકાનમાં કામ કરતો દરબાર નામનો યુવક પણ સાથે ગયો હતો. સોનુ વેચ્યા બાદ રોકડા રૂા. 1.63 કરોડ આવ્યા હતા, શરદભાઇ અને દરબાર આ રૂપિયા લઇને પરત વરાછા જતા હતા. ત્યારે મોપેડ ઉપર આવેલા ત્રણ યુવકોએ તેઓને ચપ્પુ બતાવીને લૂંટ કરી હતી. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે દરબાર નામના યુવક ઉપર શંકા રાખીને તેની પુછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો. પોલીસે દરબાર ઉર્ફે મિતેશસિંહ સુશીલસિંહ પરમાર (રહે. ખોડલધામ કોમ્પલેક્ષ, છાપરાભાઠા રોડ, અમરોલી)ની ધરપકડ કરી હતી.
મિતેશે વ્હોટ્સએપ મેસેજથી ટીપ્સ આપી હતી
મિતેશ જે દુકાનમાં કામ કરતો તે દુકાનના માલિક નિલેશભાઇની પાસે મોટી માત્રામાં સોનુ આવ્યું હતું. આ સોનુ વેચીને રોકડા રૂપિયા લેવા જવાની માહિતી પહેલાથી જ તેની પાસેથી હતી. આ દરમિયાન મિતેશે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. મિતેશે કોસાડ આવાસમાં રહેતા પોતાના મિત્રોને વ્હોટ્સએપ મારફતે મેસેજ આપીને ટીપ્સ આપી દીધી હતી. મિતેશ શરદભાઇની સાથે સોનુ વેચવા માટે ગયો અને ત્યાંથી પરત આવ્યો ત્યાં સુધી તે લૂંટારુઓના સંપર્કમાં હતો. જેવા રોકડા રૂપિયા આવ્યા અને તેઓ જ્વેલર્સની બહાર આવ્યા કે તરત જ મિતેશે તેના મિત્રોને માહિતી આપી દીધી હતી. બાદમાં ત્રણેય અજાણ્યાઓ ચપ્પુ લઇને આવ્યા હતા અને રૂપિયા લઇને નીકળી ગયા હતા.