સુરતમાં કાકા પાસેથી રૂપિયા કઢાવવા કોલેજીયન યુવકનું અપહરણ કરી ગળા પર ચપ્પુ મુકી દીધું

સુરત: (Surat) ગોડાદરા ખાતે કોલેજના સતર વર્ષના યુવકને તેના કાકા પાસેથી બાકી નીકળતા બે લાખ લેવા માટે ઉઠાવી જઈ માર મારી ગળા પર ચપ્પુ (Knife) મૂકી મારી નાખવાની ધમકી આપવા મામલે પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. આ મામલે જીગ્નેશ બચુભાઇ જીંજાણા (ઉ.18 વર્ષ) રહેવાસી ઘર નંબર 30, રૂપસાગર સોસાયટી)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે અશ્વિન વાણીયા (રહેવાસી, ધુવ પાર્ક સોસાયટી, ગોડાદરા) અને વિપુલ બલદાણીયા (રહેવાસી, ધ્રુવ પાર્ક સોસાયટી) 26 માર્ચના રોજ બપારના સવા ત્રણ વાગ્યે તેની પાસે આવ્યા હતા તે વખતે ધ્રુવ પાર્ક સોસાયટીમાંથી બળઝબરીપૂર્વક ટુ વ્હીલર પર બેસાડી દીધો હતો. ત્યારબાદ કાકાના દિકરા ઘનશ્યામ ઝીંઝાણાને ફોન કરવા જણાવ્યું હતું અને તેઓના લેણા પેટે નીકળતા બે લાખ રૂપિયા આપવા માટે જણાવ્યું હતું. દરમિયાન ગળા પર ચપ્પુ મૂકી લોખંડના સળિયા વડે ફટકારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે ગોડાદરા પોલીસ (Police) દ્વારા અપહરણનો ગુનો અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ખીસ્સામાં રૂપિયાનું બંડલ જોઇ ‘તારી પાસે જે પૈસા છે તે આપી દે’ કહી 50 હજારની લૂંટ
સુરત: ખટોદરા ખાતે રહેતા ફર્નિચરના વેપારીને ગઈકાલે ધોળે દિવસે સોસિયો સર્કલ પાસે અજાણ્યાએ ચપ્પુની અણીએ 50 હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ખટોદરા અંબાનગર પાસે વકીલ શેરીમાં રહેતો 36 વર્ષીય પાંચારામ નાગારામ સુથાર વિશ્વકર્મા એલ્યુમિનિયમ એન્ડ ગ્લાસ નામથી ફર્નિચરનું કામ કરે છે. ગઈકાલે બપોરે વરાછા માતાવાડી ખાતે ફર્નિચરનું કામ ચાલતું હતું. તેનું 50 હજાર રૂપિયા પેમેન્ટ લઈને ખટોદરા સોસિયો સર્કલ બીઓબી બેંકની બાજુમાં ગ્રાફ સેફ એલ્યુમિનિયમની દુકાન સામે બાઈક પાર્ક કરતો હતો. ત્યારે 20 થી 22 વર્ષનો અજાણ્યાએ આવીને પાંચારામને ચપ્પુ બતાવ્યું હતું. અને ‘તારી પાસે જે પૈસા છે તે આપી દે’ તેમ કહ્યું હતું. જેથી ગભરાઈને પાંચારામે 50 હજાર રોકડા તેને આપી દેતા અજાણ્યો પાંડેસરા કોમલ સર્કલ તરફ ભાગી ગયો હતો. બનાવ બાદ પાંચારામ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે બનાવ આંગે માહિતી મેળવી ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યાએ પાંચારામના ખિસ્સામાં રૂપિયાનું બંડલ જોતા તેણે લૂંટ કરી હોય તેમ લાગે છે. જોકે આ અંગે વધારે માહિતી આરોપી પકડાયા પછી જાણી શકાશે.

Most Popular

To Top