SURAT

ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન માટે સુરત પોલીસની જોરદાર તૈયારી, ટીખળ પણ કરી તો સીધા જેલભેગા કરાશે

સુરત: શહેર પોલીસ આજે ઇદે મિલાદ અને બીજા દિવસે ગણેશ વિસર્જન છે ત્યારે પોલીસના ભવાં હાલમાં અદ્ધર થઇ ગયા છે. સૈયદપુરામાં પથ્થરમારા બાદ હાલમાં સુરત બહારથી 12 જેટલા ડીસીપી અને પંદર જેટલા એસીપીને તેડાવવામાં આવ્યા છે. દરમિયાન 3 હજાર સીસીટીવી કેમેરા, બોડી વોર્ન, ડ્રોન કેમેરા શહેરના ખૂણે ખૂણે લગાવી દેવાયા છે. ટીઆરપી, આરપીએફ, હોમગાર્ડ સહિત પંદર હજાર જવાનો રસ્તા પર તૈનાત હશે.

  • ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન માટે સુરતમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત, 15 હજારથી વધુ જવાનોનો કાફલો રસ્તા પર ખડકાયો
  • આરપીએફ સહિત 15 હજારથી વધુ જવાનોનો કાફલો રસ્તે ખડકી દેવાયો, સોશિયલ મીડિયા પર બાજ નજર

આ મામલે શાંતિ સમિતીની બેઠકમા પણ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આગવાનોને સંયમ દાખવવા માટે અપીલ કરી હતી. દરમિયાન અત્યાર સુધી બે હજાર કરતા વધારે લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત હાલમાં ઓફીસ છોડીને સતત માર્ગ પર દેખાઇ રહ્યા છે.

હજીરાના 3 ઓવારા પર મૂર્તિ વિસર્જન થશે
આ વખતે શહેરના મુખ્ય વિસર્જન રૂટ, કૃત્રિમ-કુદરતી ઓવારા, સંવેદનશીલ વિસ્તારો સહિત ઠેક-ઠેકાણે 15 હજારથી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડ જવાનો, આરએએફ જવાનો તૈનાત રહેશે. પોલીસ સીસીટીવી કેમેરાથી વિસર્જન પ્રક્રિયા પર બાજ નજર રાખશે. સાથોસાથ પોલીસ જવાનો બોડીવોર્ન કેમેરા અને 10 ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરશે.

ચાલુ વર્ષે શહેરના 21 કૃત્રિમ અને ડુમસ, હજીરાના 3 કુદરતી ઓવારા પરથી નાની-મોટી મળી 80 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે. વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપો. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા પકડાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઇદે મિલાદ અને વિસર્જનને લઈને સોશિયલ મીડિયા પર સુરત પોલીસની ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

હજીરા બોટ પોઈન્ટ ઓવારા પર 600 સ્વયંસેવકોની ટીમ તૈનાત
હજીરાના રાધે ક્રિષ્ના ગ્રુપ દ્વારા આ વખતે પણ હજીરા બોટ પોઇન્ટ ઓવારા ખાતે આયોજન કરાયું છે. ૧૫ ફુટથી વિશાળ પ્રતિમાઓના વિસર્જન માટે કંપનીઓના સહયોગથી ૧૨ ક્રેન,૧૨ ફોર્કલીફ્ટ,૯ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત 600 સ્વયંસેવકો સાથેની ટીમ તૈયાર કરી દેવાઈ છે.

15 ફૂટ થી મોટી મૂર્તિઓના વિસર્જન માટે આ ઓવારો અને રાધે કૃષ્ણ ગ્રુપ તૈયાર છે. તેમના દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બોટ પૉઈન્ટ ઓવરો હજીરા ખાતે ગણેશ પ્રતિમા વિસર્જન માટે તૈયાર છે. હજીરામાં આવેલી મહાકાય કંપનીઓના સહયોગ દ્વારા ૧૨ ક્રેન,૧૨ ફોર્કલીફ્ટ,૯ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત 600 સ્વયંસેવકો સાથેની ટીમ તૈયાર કરી દેવાઈ છે. તમામ મોટી ઊંચાઈવાળી વિશાશ ગણેશ પ્રતિમાનુ અત્યંત સુરક્ષીત વિસર્જન કરવામાં આવશે. ગૃપના પ્રમુખ સતીષ પટેલ તેમજ મુકેશ સોનીના નેતૃત્વમાં તમામ કામગીરીને અંતિમ ઓપ આપી દેવાયો છે.

શહેરમાં 144 સ્થળોએ ઇદે મિલાદના જૂલૂસ નીકળશે
સુરતમાં હાલમાં 144 જેટલા સ્થળોએ ઇદના જૂલૂસ નીકળશે. આ લોકોને મુખ્ય માર્ગો પર નહી નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. જેથી કોમી માહોલ બગડે નહી. શહેરની ગલીઓમાં આ લોકો દ્વારા જૂલૂસ કાઢવામાં આવશે. દરમિયાન આ તમામ વિસ્તારોમાં પોલીસે ફલેગમાર્ચ કરી હોવાની વિગત પોલીસ કમિશનરે જણાવી હતી. દરમિયાન બીજા દિવસે ગણેશ વિસર્જન છે ત્યારે કોઇ અણછાજતો બનાવ નહી બને તેની ખાસ તકેદારી હાલમાં રાખવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી તો સીધા જેલભેગા થશે
સોશિયલ મિડીયામાં કોમેન્ટ કરી છે તો સીધા જેલ ભેગા કરી દેવામાં આવશે. આ મામલે સાયબર સ્ટાફ હાઇ એલર્ટ પર છે. વોટસ અપ પર કે ઇન્સ્ટા પર કોઇની લાગણી દુભાઇ તેવી કોમેન્ટ કરનારને શોધીને સીધા જેલ ભેગા કરી દેવામાં આવશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સીધી ટકોર કરી હોવાની વિગત જાણવા મળી છે.

વિસર્જનના સ્થળે 108 તૈનાત રહેશે, સિવિલમાં પણ ખાસ વ્યવસ્થા
ગણેશ વિસર્જન દરમિયાન સંભવિત અકસ્માતોને ધ્યાનમાં રાખીને નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. વિસર્જનના દિવસોમાં માર્ગ અકસ્માતો, ડૂબવા, વીજ કરંટ અને પંડાલો પર અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે, જેના કારણે હોસ્પિટલ મેનેજમેન્ટે ટ્રોમા સેન્ટરમાં 24 કલાક સેવાઓ પૂરી પાડતી ટીમ તૈનાત કરી છે.

આ વિશેષ ટીમમાં ઓર્થોપેડિક અને સર્જરી વિભાગના ડોકટરો તેમજ નર્સિંગ સ્ટાફ અને વર્ગ ચારનો સ્ટાફ સામેલ છે. આ ઉપરાંત એક્સ-રે અને ડ્રેસિંગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી શકે.

સુરત 108 ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લા સુપરવાઇઝર સોહિલ મન્સૂરીએ જણાવ્યું હતું કે, સોમવારે ઈદ તેમજ મંગળવારે ગણેશ વિસર્જન સહિતના તહેવારને ધ્યાનમાં રાખીને અમે છેલ્લા ત્રણ દિવસથી અલગ-અલગ 17 લોકેશનની 108 એમ્બ્યુલન્સને કુત્રિમ તળાવ સહિતના વિસર્જનની જગ્યાએ ઊભી રાખવામાં આવી છે. તેમજ અમારા કર્મચારીઓની ઈમરજન્સી સિવાયની તમામ રજાઓ રદ કરી દેવામાં આવી છે. શહેરની જનતાને 108 એમ્બ્યુલન્સની તમામ જરૂરી સેવાઓ સમયસર, સારી અને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે અમે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે.

Most Popular

To Top