સુરત : શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં (SuratTextileMarket) લાંબા સમયથી ચીટીંગ કરીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક સ્પેશિયલ ઇન્વિસ્ટીગેશન ટીમની (SIT) રચના કરવામાં આવી છે. આ ટીમમાં ડીસીપી ભગીરથ ગઢવી, ઇકોસેલ એસીપી જી.એ.સરવૈયા, સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ બીઆર રબારી, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આર.વાય.જાડેજા, ઇકોસેલ પીઆઈ એન.જી.ચૌધરી તથા ત્રણ પીએસઆઇ મળી અલગ-અલગ પોલીસ સ્ટેશનના કુલ 18 પોલીસ કર્મચારીઓ કાર્યરત રહેશે.
- ટેક્સટાઇલ માર્કેટના ઠગોને પકડવા સ્પેશિયલ ટીમની રચના
- એક ડીસીપી, એક એસીપી, ૩ પીઆઈ, ૩ પીએસઆઈ સહિત ૧૮ પોલીસ કર્મીઓની ટીમ બનાવી
આ સ્પેશિયલ ટીમમાં એક ડીસીપી, એક એસીપી, ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર, ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્સ્ટેબલો સહિત 18 પોલીસ કર્મચારીઓની ટીમ ભાગેડુ ઠગાઈ કરનારને પકડવા તપાસ કરશે.
વોન્ટેડ આરોપીઓની માહિતી ખાસ ટીમને આપવી
કાપડ માર્કેટોના ચીટીંગ બાબતે દાખલ થયેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓના માહિતી થાણા ઇન્ચાર્જએ તૈયાર કરી ખાસ ટીમના એ.સી.પી. જી.એ.સરવૈયાને મોકલી આપવાની રહેશે. એ.સી.પી. જી.એ.સરવૈયાએ માહીતી એકત્રિત કરી ટીમના અધ્યક્ષના સંકલનમાં રહી અલગ અલગ ટીમો બનાવી વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી કરવાની રહેશે. જે નાસતા ફરતા આરોપીઓના સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરન્ટ કઢાવ્યા ન હોય તેમના વોરન્ટ થાણા ઇન્ચાર્જએ કઢાવવાના રહેશે.
દર 15 દિવસે કાર્યવાહીનો રિપોર્ટ મોકલાશે
નાસતા ફરતા આરોપીઓના બેન્ક એકાઉન્ટ બાબતે તપાસ કરાશે. રાજ્યમાં કે રાજ્ય બહાર આરોપીઓને પકડવા માટે જવાનું થાય ત્યારે ખાસ ટીમના અધ્યક્ષ મારફતે જરૂરી મંજુરી મેળવી અને ટીમોને મોકલવાની રહેશે. અને ટીમો દ્રારા શુ કાર્યવાહી થઈ તેની માહિતી દર પંદર દિવસે રિપોર્ટ મોકલી આપવાનો રહેશે.