સુરત : ભટાર (Bhatar) ખાતે રહેતા અને બમરોલીમાં ખાતુ ધરાવતા વેપારી સહિત 23 જેટલા વેપારીઓ સાથે જય માતાજી સિલ્ક મિલ્સના માલિકે લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસે (Police) દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
ભટાર ખાતે અભિલાષા એપાર્ટમેન્ટમાં રહેતા 29 વર્ષીય કિશનભાઇ વિષ્ણુભાઇ પટેલ બમરોલી ઓમ સાંઇરામ ઇન્ડ્રસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નં.સી/૩૭ માં કે.આર.ટેક્ષટાઇલ તથા કિશન ટેક્ષટાઇલના નામથી કાપડ વણાટના મશીનો ચલાવે છે. કિશનભાઈના પિતા ઘણા વર્ષથી કાપડનો વેપાર કરતા હોવાથી હિતેશ ચૌહાણ (રહે.બી/૭૦૪ જૈનમ રેસીડેન્સી પાલ) ને સારી રીતે ઓળખે છે. તેના મારફતે કાપડના ઘણા વેપારીઓ સાથે કાપડનો વેપાર કર્યો છે. કિશનભાઈના પિતાએ જ હિતેશ સાથે તેમની ઓળખાણ કરાવી હતી.
જુન 2022 માં તેમને હિતેશ ચૌહાણે ફોન કરી “જય માતાદી સિલ્ક મિલ્સ/વિવાક ક્રીએશન નામની પેઢીના પ્રોપરાઇટર રીસીક શાહ જે ખટોદરા સોમા કાનજીની વાડી ખાતે દુકાન ધરાવતા હોવાનું કહીને તેની સાથે વ્યવહાર કરવા કહ્યું હતું. હિતેશ ઉપર ભરોસો મુકીને આ પેઢીને માલ આપ્યો હતો. શરૂઆતમાં માલનું પેમેન્ટ 3 લાખ સમસયર મોકલી આપ્યું હતું. જેથી ટુકડે ટુકડે 6.34 લાખના કાપડનો માલ આપ્યો હતો. જેનું પેમેન્ટ આજદિન સુધી ચુકવી આપ્યું નથી. નવરાત્રી પછી રીસીક શાહ પોતાની દુકાન બંધ કરી ચાલ્યો ગયો હતો. કીશનભાઈની જેમ બીજા 23 જેટલા કાપડના વેપારીઓ સાથે તેને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા-વડોદ રોડના આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ
સુરત : શહેરના પાંડેસરા-વડોદ રોડ ઉપર આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં વહેલી સવારે 3.30 વાગે બે ચોરે એટીએમનું સેફ્ટિ લોક તોડી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા-વડોદ ગામ રોડ સ્થિત શાસ્ત્રીનગરમાં આઇસીઆઇસીઆઇ બેંકનું એટીએમ છે. કડકડતી ઠંડીમાં વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે આ એટીએમમાં બે ચોર ત્રાટક્યા હતા. બે ચોર એટીએમમાં ઘુસી સેફ્ટિ લોક ખોલી તેમાંથી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેફ્ટિ લોક તોડવામાં નિષ્ફળ ગયા હતા. આ સમગ્ર ઘટના એટીએમ સેન્ટરના સીસીટીવીમાં કેદ થતા બે ચોર એટીએમમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરી રહ્યાની જાણ બેંકના એમ.એસ.એફના કંટ્રોલ રૂમમાં થઇ હતી. કંટ્રોલ રૂમના સુપરવાઇઝર લાલજી વિષ્ણુ દેવમુરારી (રહે. આદર્શ નગર, અમરોલી-છાપરાભાઠા રોડ) એ તેમના સહકર્મી રાકેશ અનંત શામલ (ઉ.વ. 34 હાલ રહે. વરેલી ગામ, કડોદરા, સુરત અને મૂળ. આઇ થીંકે ટેક્નો કેમ્પસ, પોખરણ રોડ, જિ. બાલેશ્વર ઓડીશા) ને જાણ કરતા તેમણે પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે બંને ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.