SURAT

રસ્તા પરના ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સુરત પોલીસે હવામાં ડ્રોન ઉડાડ્યા

સુરત: શહેરમાં હાલ ટ્રાફિક એક મોટી સમસ્યા છે. મેટ્રોની કામગીરી અને ઉપરથી સિગ્નલ પર ઉભા રહેવાની રામાયણના લીધે શહેરના મોટા ભાગના રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. ગઇકાલે મંગળવારે સુરતના મુખ્ય માર્ગ અઠવાલાઈન્સથી ઉધના દરવાજા સુધી ત્રણ કિલોમીટર લાંબો ચક્કાજામ કલાકો સુધી રહ્યો હતો. લોકો બેથી ત્રણ કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યાં હતાં. આ વિકટ સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ અવનવા પ્રયોગો કરી રહી છે.

સુરતમાં એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ સિગ્નલની કડાકૂટથી મહા ચક્કાજામ સર્જાઈ રહ્યો છે. ત્યારે ટ્રાફિકના હોટ પોઈન્ટ એવા અઠવાથી ઉધના રિંગરોડ વિસ્તારમાં આજે ટ્રાફિક ડીસીપી ખુદ રસ્તા પર ઉતર્યા હતાં. ગતરોજ સર્જાયેલા 3 કલાકના ભારે ટ્રાફિક બાદ આજે ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે જ્યાં ટ્રાફિક વધુ થાય છે તેવા પોઈન્ટની સ્થળ વિઝિટ કરવામાં આવી હતી. જેમાં શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રોન કેમેરાની મદદથી શહેરમાં ટ્રાફિક અંગે નિરીક્ષણ કરાયું હતું. પ્રી મોન્સૂન કામગીરીમાં લોકોને ટ્રાફિક ન નડે તે માટે કામગીરી કરવામાં આવી હતી.

ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે,ડ્રોનની મદદથી ક્યાં ટ્રાફિક થાય છે. તેમજ ટ્રાફિકના પોઈન્ટ ક્યાં છે. તેના માટે ડ્રોનની મદદથી એનાલિસિસ કરીને બોટલનેક બની રહ્યો છે. તે અંગે એનાલિસિસ કરીને ચોમાસા અને ઉત્સવને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ટ્રાફિકને સરળ બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અલથાણ, વેસુ, વરાછા સહિતના વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યાં છે.

Most Popular

To Top