સુરત: (Surat) ઉધના મગદલ્લા રોડ ઉપર રહેતી એક મહિલાને તેની સસરાએ (Father-in-law) વહેલી સવારે ગરમ પાણી (Hot Water) નાંખીને દઝાડી દીધી હોવાની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જો કે, આ કેસમાં મહિલા માનસિક બિમાર હોવાનું તારણ કાઢીને ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી ન હતી. આખરે આ મહિલાએ પોલીસ (Police) કંટ્રોલમાં ફોન કરતા મામલો વધુ ગરમાયો હતો. મહિલાએ સાસુ-સસરા, પુત્ર અને પતિની સામે ગંભીર આક્ષેપો કરીને તેમની સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. આ મામલે ખટોદરા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ઉધના મગદલ્લા રોડ ઉપર સોમનાથ સોસાયટીમાં રહેતી જયશ્રીબેન રાજેશભાઇ રાણા આજે સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવી હતી. જયશ્રીબેનએ સિવિલ હોસ્પિટલમાં કહ્યું હતું કે, તેઓને તેમના સસરા બાથરૂમમાં જબરદસ્તીથી ઘુસીને નવડાવે છે, જો સસરાને કહેવામાં આવે તો તે ઢીકમુક્કીનો માર મારે છે. સવારના સમયે જયશ્રીબેન પર તેમના સસરાએ ગરમ પાણી નાંખી દીધું હતું, પરંતુ જયશ્રીબેન ફરી જતા તેઓને પીઠના ભાગે ઇજા થઇ હતી. જયશ્રીબેનએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
વધુમાં તેમણે કહ્યું કે, તેમને લગ્નને 22 વર્ષ થયા છે, અને ત્યારથી સાસુ-સસરાનો ત્રાસ સહન કરતી રહી છે. એક અઠવાડિયાથી સાસુ-સસરાનો ત્રાસ સહન કરું છું, છેલ્લા ત્રણ દિવસથી મારી રહ્યા છે. 100 નંબર પર મદદ માટે ફોન કરું તો મારું આવી બન્યું, હવે માર સહન નથી થતો, અઢી વર્ષથી કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો છે. એવું લાગે છે મારો જીવ જશે પછી જ કોર્ટ કેસનો નિકાલ આવશે. આ સમગ્ર ઘટના અંગે જયશ્રીબેનએ રાજેશભાઇ તેમજ તેમના પરિવારજનોની સામે ફરિયાદ નોંધવા માટે ખટોદરા પોલીસમાં પહોંચી હતી. પરંતુ અહીં પોલીસે તેમની ફરિયાદ લીધી ન હતી. સવારથી ખટોદરા પોલીસનો ચક્કર લગાવતી જયશ્રીબેનની રાત સુધી પણ ફરિયાદ લેવામાં આવી ન હતી.
મહિલા માનસિક બિમાર છે, અને વાતે વાતે ફરી જાય છે : પોલીસ
ખટોદરા પોલીસે માહિતી આપતા કહ્યું કે, મહિલા માનસિક રીતે બિમાર છે. ભૂતકાળમાં બે વાર પતિની સામે દહેજની ફરિયાદ નોંધાવીને પરત ખેંચી લીધી હતી. તેઓની વચ્ચે કોર્ટ કેસ પણ ચાલતા હતા. જેમાં જયશ્રીબેનનો પતિ તેને રૂા. 2 હજાર ભરણપોષણ પણ આપે છે. અમે આડોશ-પાડોશના નિવેદનો લીધા ત્યારે ખબર પડી કે, મહિલા દરરોજ સવારે પાંચ વાગ્યે ઊભી થઇને પરિવારના સભ્યોની ઉપર જ ગરમ પાણી નાંખે છે, અને જોર-જોરથી ગાળો બોલીને તમામ લોકોને હેરાન કરે છે. સવારે જ્યારે ઘટના બની ત્યારે મહિલાએ તેના પુત્ર પાસે પાવડર લગાવડાવ્યો હતો, અને બાદમાં સિવિલમાં સારવાર લીધી હતી. ડોક્ટરોને વધારે ગંભીર ઇજા લાગી ન હોવાથી પાટાપીંડી કરીને તેઓને ઘરે જવાની સલાહ આપવામાં આવી હતી. વારંવાર પોલીસ ઉપર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું પોલીસે કહ્યું હતું.