બારડોલી: સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની (LCB) ટીમે કામરેજના (Kamrej ) મોરથાણા ગામે એક ફાર્મ હાઉસમાં (Farm House) ચાલી રહેલા જુગારધામ પર છાપો મારતાં દોડધામ મચી ગઈ હતી. પોલીસની (Police) ટીમે સ્થળ પરથી નવ જુગારીને ઝડપી લીધા હતા. જ્યારે સ્થળ પરથી નાસી છૂટેલા ત્રણ અને માલિક મળી ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા, ફોરવ્હીલ કાર મળી કુલ 44.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત જિલ્લા LCBની ટીમ બુધવારે સવારે પેટ્રોલિંગમાં હતી. એ સમયે LCB પી.આઇ. બી.ડી.શાહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કામરેજના મોરથાણા ગામે સિલ્વર અંબરલેન્ડ ફાર્મ હાઉસમાં આવેલા મકાન નં.68માં મકાનમાલિક ધર્મેશ રમેશ પટેલ બહારથી માણસો બોલાવી ગંજીપાના પર હારજીતનો જુગાર રમાડે છે. આ બાતમીને આધારે પોલીસે છાપો મારતાં જ સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી.
નાસી છૂટેલા ત્રણ જુગારીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી
પોલીસને જોઈને ત્રણ શખ્સ સરફરાજ ઉર્ફે શક્તિ જુનેજા, અબ્દુલ રહેમાન ઉર્ફે ગુડ્ડુ ફારૂક પટેલ અને મોહમ્મદ ઉમર યાકુબ નવાબ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જ્યારે મોહમ્મદ રિઝવાન અબ્દુલ કાદર બોમ્બેવાળા, મોહમદ ફૈઝલ ઇકબાલ મેમણ, મોહમ્મદ આરીફ અબ્દુલ વાસેલ ઉર્ફે કાલુ અન્સારી, મિયાંમહમદ અબ્દુલ રઝાક ચક્કીવાળા, અબ્દુલકાદિર મોહમ્મદ ઈસ્માઈલ ચાવલા, સલમાન હનીફ સોપારીવાળા, અસદ અબ્દુલ અઝીજ સોપારીવાળા, પરવેઝ ઉમર હોટલવાળા અને અબ્દુલ રઉફ મોહમ્મદ પટેલને સ્થળ પરથી પકડી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.2,03,860, ચાર ફોર વ્હીલ કાર કિંમત રૂ. 42 લાખ, 8 મોબાઇલ ફોન કિંમત રૂ. 40,500 મળી કુલ 44,44,360 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મકાનમાલિક ધર્મેશ રમેશ પટેલ અને નાસી છૂટેલા ત્રણને પણ વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
તરકાણીમાં જુગાર રમતા બે ઝડપાયા
અનાવલ: મહુવાના તરકાણી ગામની સીમમાં નહેર પાસે આંબાના ઝાડની નીચે બેસી મોટા પાયે મુંબઈથી નીકળતા મિલન ઓપન અને ટાઈમ ઓપનના બજારના આંકો પર જુગાર રમાતો હોવાની બાતમી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેના બાતમી આધારે તા.8મીએ રેડ કરતાં બે ઈસમ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા જુગારી પ્રફુલ ગોસાઈભાઈ ઢીમ્મર (રહે., ધોળીકુઈ, રોડ ફળિયું, તા.મહુવા), વિકેન રાજેશભાઈ ભંડારી (રહે., મહુવા, પારસીવાડ, તા.મહુવા)ની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ 4950 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી તેમના વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.