સુરત: એક તરફ ચૂંટણીના (Election) બીજા તબક્કાનો માહોલ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ નશાકારક પદાર્થ તેમજ સીગરેટ તેમજ અન્ય નિકોટિક પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે પોલીસ (Police) સામે એક મોટો પડકાર ઉભો છે. પોલીસને મોટી માત્રામાં વિદેશી ઈ-સિગારેટનો (E-cigarettes) જથ્થો મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. ત્યાં શુક્રવારના રોજ આવા લોકો સામે પોલીસને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સુરતમાં (Surat) બે અલગ અલગ જગ્યાએથી ઈ-સિગારેટ તેમજ સિગારેટનો લગભગ 91 લાખનો જથ્થો પ્રાપ્ત થયો છે.
પોલીસ સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પ્રથમ કિસ્સામાં ડીઆરઆઈને ચોકલેટની દુકાનના માલિકના ઘર તેમજ તેના ગોડાઉનમાંથી કુલ 3,60,800 રૂપિયાનો વિદેશી ઈ-સિગારેટની અલગ અલગ બ્રાંડનો માલ મળી આવ્યો છે. આ ઉપરાંત બીજી 198 ઈ-સિગારેટનો જથ્થો કે જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા હોય તેને જથ્થો પણ ડીઆરઆઈને મળી આવ્યો છે. જ્યારે બીજા કિસ્સામાં ડીઆરઆઈના અધિકારીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર સુરત તરફ નિર્ધારિત રેલ્વે પાર્સલને અટકાવ્યું હતું જેમાંથી 80000 જેટલી ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો છે. જેની માર્કેટની કિંમત 16 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ અને આદર્શ આચારસંહિતા લાગુ થતાં પહેલાં DRI દ્વારા દાણચોરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં સુરત ડીઆરઆઈને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
ચૂંટણી ટાણે ગાંધીનગર નજીકના અડાલજના વૈભવી બંગલામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગાંધીનગર નજીકના અડાલજ ખાતે આવેલા એક વૈભવી બંગલામાંથી પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. આ દારૂનો જથ્થો કોના ઈશારે મંગાવવામાં આવ્યો છે, તેની પોલીસે તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર નજીક આવેલા અડાલજ ખાતેના બાલાપીર દરગાહની સામે આવેલા એક વૈભવી બંગલામાં પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં અંદાજે 500 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે આ બંગલામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વૈભવી બંગલો પ્રમોદ પટેલનું હોવાનું જાણવા મળ્યું છે, તેમજ સિદ્ધાર્થ નામના યુવકની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. હાલમાં આ બંને વ્યક્તિ ફરાર થઈ ગયા છે. પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.