સુરત: (Surat) સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી પોલીસે મોટી માત્રામાં નકલી શેમ્પૂ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં અસલી શેમ્પૂની બોટલમાં (Shampoo Bottle) નકલી શેમ્પૂ ભરીને વેચાણ કરાતો હોવાની ઘટના સામે આવી છે. હેર એન્ડ શોલ્ડર્સ શેમ્પૂના નામથી ડુપ્લીકેટ શેમ્પુ બનાવી વેચાણ કરતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 7 લાખથી વધુના નકલી શેમ્પૂ અને ખાલી બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે ખુદ હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીએ સુરત પોલીસ સમક્ષ ફરિયાદ કરી.
સુરતના અમરોલી ઉત્રાણ વિસ્તારમાંથી પોલીસે નકલી હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પુ બનાવતા લોકોને ઝડપી પાડ્યા છે. અમરોલી ઉત્રાણ વિસ્તારમાં વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં શેમ્પૂની ફેક્ટરી (Factory) ચાલી રહી હતી. આ ફેક્ટરીમાં હેડ એન્ડ શોલ્ડર્સની અસલી શેમ્પૂની બોટલમાં નકલી શેમ્પૂ ભરવામાં આવી રહ્યો હતો. બોટલો પર હેડ એન્ડ શોલ્ડર્સ નામના સ્ટીકરો લગાવી શેમ્પૂનું વેચાણ કરાઈ રહ્યું હતું. પોલીસને મળતી માહિતી મુજબ ત્રણ લોકો ઉત્રાણ વી આઈ પી સર્કલ પાસે આવેલા શ્રી નાથજી આઇકોનમાં G 6 નંબરની દુકાનમાં આ શેમ્પુનું વેચાણ કરતા હતા.
હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીને સુરતમાં ડુપ્લીકેટ શેમ્પુ વેચાતું હોવાની જાણ થઈ હતી. કંપનીના કર્મચારીઓએ આ અંગે સુરતમાં તપાસ પણ કરી હતી. ત્યારબાદ કંપનીએ આ અંગે પોલીસને ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે ઉત્રાણ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શેમ્પુ બનાવવાની ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી. પોલીસને અહીંથી હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીની ડુપ્લીકેટ શેમ્પૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ સ્થળ પરથી પોલીસને શેમ્પૂની ભરેલી અને ખાલી બોટલો, મોટા કેરબા તેમજ અન્ય ડુપ્લીકેટ સામાન મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.