SURAT

સુરત પોલીસ નો કલાકોમાં કમાલ! જર્મન મહિલાનો ગુમ થયેલો મોબાઇલ CCTVથી મળ્યો પાછો

સુરત શહેરમાં મહિધરપુરા પોલીસની ઝડપી અને કાર્યક્ષમ કામગીરીનો એક ઉત્તમ દાખલો સામે આવ્યો છે. જર્મનીથી આવેલી એક વિદેશી મહિલા પ્રવાસી રિક્ષામાં પોતાનો કિંમતી મોબાઇલ ફોન ભૂલી ગઈ હતી, પરંતુ પોલીસે થોડા કલાકોમાં જ તેને શોધી કાઢીને મહિલાને પરત આપ્યો હતો.

પોલીસ પાસે થી મળતી માહિતી અનુસાર, જર્મન મહિલા સુરતના મહિધરપુરા વિસ્તારમાં ફરવા આવી હતી. દરમિયાન તે એક ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહી હતી. મુસાફરી પૂર્ણ થયા પછી તે ઉતરી ગઈ, પરંતુ ઉતાવળમાં તેનો મોબાઇલ ફોન રિક્ષામાં જ રહી ગયો હતો. થોડા સમય બાદ તેને ફોન ગુમ થયાની જાણ થતાં તેણે તાત્કાલિક મહિધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો.

પોલીસે ફરિયાદ મળતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાની મદદથી પોલીસે રિક્ષાની ઓળખ કરી. ત્યારબાદ રિક્ષાચાલક સુધી પહોંચી મોબાઇલ ફોન કબજે કર્યો. સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી, જેના કારણે મહિલાને સમયસર પોતાનો ફોન પાછો મળી ગયો. આ ઘટનાથી સુરત પોલીસની સતર્કતા અને ટેક્નોલોજીના અસરકારક ઉપયોગનો પુરાવો મળે છે.

વિદેશી પ્રવાસીઓ માટે આ ઘટના વિશ્વાસ વધારનાર સાબિત થઈ છે. મહિલાએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને સમયસર મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો. સુરત પોલીસનો આ પ્રયાસ શહેરની કાયદો અને વ્યવસ્થાની મજબૂતી દર્શાવે છે, ટેક્નોલોજી અને ઝડપી એક્શન દ્વારા નાગરિકોની મદદ કેવી રીતે થઈ શકે તેનો ઉત્તમ ઉદાહરણ છે.

Most Popular

To Top